અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના રમોસ ખાતે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર સાંસદ શોભાના બારૈયાની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું બાયડ શહેરમાં જીલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ અને મોડાસા શહેરમાં ધારાસભ્ય ભીખુસિંહ પરમારને હસ્તે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારે શ્રમિકોની ચિંતા કરી ફક્ત પાંચ રૂપિયામાં ભરેપેટ ભોજન મળી રહે તે માટે ઠેર ઠેર શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર ખોલવામાં આવ્યા છે
રમોસમાં કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ શોભના બારૈયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હંમેશા શ્રમિકોના કલ્યાણ માટે સમર્પિત છે. શ્રમિકો રાજ્યની આર્થિક પ્રગતિના મૂળ આધાર છે. તેમને માત્ર પાંચ રૂપિયામાં સારું અને પૂરતું ભોજન મળે તે માટે અન્નપૂર્ણા કેન્દ્રોની શરૂઆત એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી પગલું છે. તેમણે ઉમેર્યું કે આ કેન્દ્રો માત્ર ભોજન આપવા પૂરતા નથી, પરંતુ શ્રમિકોને સન્માન અને સુરક્ષાની ભાવના પણ આપે છે. સરકારની આ યોજના દ્વારા શ્રમિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેઓ વધુ સારી રીતે પોતાના પરિવારનું પાલનપોષણ કરી શકશે.
ધારાસભ્ય ભીખુસિંહ પરમારે પણ આ ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી અને કહ્યું કે મોડાસા અને આસપાસના વિસ્તારોના શ્રમિકો માટે આ કેન્દ્ર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. માત્ર ૫ રૂપિયામાં ભોજન મળવાથી શ્રમિકોને મોટી રાહત થશે. તેમણે સરકારને આવી યોજનાઓ વધુ વિસ્તારવા માટે અનુરોધ કર્યો.બાયડમાં ઉદ્ઘાટન કરનાર જીલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલે કહ્યું શ્રમિકોના કલ્યાણ માટે સરકારના પ્રયાસો વખાણવા લાયક છે. આ કેન્દ્રો દ્વારા સ્થાનિક શ્રમિકોને રોજિંદા ભોજનની ચિંતા મુક્ત થશે અને તેઓ પોતાના કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોએ આ કેન્દ્રોની સુવ્યવસ્થિત રીતે કામગીરી શરૂ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે. ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક નેતાઓ, વહીવટી અધિકારીઓ, શ્રમિક પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. તમામે સરકારની આ યોજનાનું સ્વાગત કર્યું અને તેને શ્રમિકોના જીવનમાં સુધારો લાવનારી મહત્વપૂર્ણ પહેલ ગણાવી હતી .શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો અરવલ્લી જિલ્લાના શ્રમિકોને સીધો લાભ મળશે અને રાજ્યમાં શ્રમિક કલ્યાણની દિશામાં એક નવું પગલું સાબિત થશે.





