ધનતેરસના પવિત્ર દિવસે તુલાવિધિ, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન; સંતો-મહંતો, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા
અરવલ્લી જિલ્લાના પવિત્ર અને ઐતિહાસિક ધાર્મિક સ્થળ દેવરાજ ધામ ગુરુ ગાદી મઠ, ચેતન સમાધિ દેવાયત પંડિત, રાજકોટ ખાતે મહંત શ્રી ધનેશ્વરગીરી મહારાજ (ધનગીરી બાપુ)ના 53મા જન્મોત્સવની ધનતેરસના પવિત્ર દિવસે ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો-મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી મહંતશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
અગમવાણી અને ઐતિહાસિક ધરોહર ધરાવતું પવિત્ર ધામ
મોડાસા પંથકના રાજકોટ ગામે આવેલું દેવરાજ ધામ ગુરુ ગાદી મઠ ધાર્મિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. રામદેવજી મહારાજ અને કુવારી બોમ સાથે જોડાયેલી આ પવિત્ર ભૂમિ મહાન સંત દેવાયત પંડિતની ચેતન સમાધિ માટે જાણીતી છે. દેવાયત પંડિતની અગમવાણી અને પ્રકૃતિની રમણીય ગોદમાં વસેલું આ ધામ અરવલ્લી જિલ્લાની ગૌરવપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર સમાન છે.
તુલાવિધિ, ભજનની રમઝટ અને મહાપ્રસાદ
મહંત શ્રી ધનેશ્વરગીરી મહારાજના 53મા જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા અનાજથી સંતશ્રીની તુલાવિધિ કરવામાં આવી હતી. પ્રસિદ્ધ ભજનીકોએ ભક્તિરસની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભજનમય બનાવી દીધું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તો માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંતો અને મહાનુભાવોએ સેવાકીય કાર્યોને બિરદાવ્યાં
આ પ્રસંગે સંત શ્રી બાલકદાસજીએ જણાવ્યું હતું કે, “ધનગીરી બાપુએ સમગ્ર વિસ્તારમાં ભજનની જ્યોત જગાવી છે અને ગુરુ તરીકે અસંખ્ય લોકોને સાચા માર્ગે વાળવાનું ઉમદા કાર્ય કર્યું છે.”
જીવદયાપ્રેમી નિલેશ જોશીએ જણાવ્યું હતું કે, “સંત દેવાયત પંડિત, રામદેવજી મહારાજ અને આ પવિત્ર ભૂમિના સંતોને યાદ કરતાં ગૌરવની લાગણી થાય છે. ધનગીરી બાપુ દ્વારા સમગ્ર પંથકમાં વ્યસનમુક્તિનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. તેમના પ્રયાસોથી અનેક પરિવારો વ્યસનમુક્ત બની સુખી જીવન તરફ આગળ વધ્યા છે. સમાજમાં ભક્તિભાવની સાથે વ્યસનમુક્તિ અને સદાચારનો સંદેશ ફેલાવવાનું તેમનું કાર્ય સરાહનીય છે.”
કાર્યક્રમમાં સામાજિક કાર્યકર અને કવિ હેમંત વણકર તેમજ ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર સહિત તેમની ટીમે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી અને સંતશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ધનગીરી બાપુએ ભક્તોને આપ્યા સુખ-શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ
પોતાના જન્મોત્સવ પ્રસંગે મહંત શ્રી ધનેશ્વરગીરી મહારાજે ઉપસ્થિત તમામ સંતો, મહાનુભાવો અને ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદભાવના જળવાઈ રહે તેવી મંગલકામના સાથે આશીર્વાદ આપ્યા હતા.
આ ભવ્ય મહોત્સવનું સફળ આયોજન દેવરાજ ધામ ગુરુ ગાદી મઠ, ચેતન સમાધિ દેવાયત પંડિત, રાજકોટના ભક્તો, મહંત શ્રી મહેશગીરીજી જયુ બાપુ અને અન્ય સેવાભાવી ભક્તોના સહયોગથી કરવામાં આવ્યું હતું. ભક્તિ, શ્રદ્ધા, સંતવાણી અને સામાજિક એકતાના સંગમ સમાન આ જન્મોત્સવે સમગ્ર પંથકમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો.





