30.6 C
Gujarat
Thursday, November 5, 2026
Home HeadLines સાબરકાંઠા બેંકમાં પરિવારવાદનું રાજકારણ? 30 વર્ષથી એક જ પરિવારનું વર્ચસ્વ જાળવવાની કવાયતની...

સાબરકાંઠા બેંકમાં પરિવારવાદનું રાજકારણ? 30 વર્ષથી એક જ પરિવારનું વર્ચસ્વ જાળવવાની કવાયતની ચર્ચા તેજ

0

વેવાણ બાદ હવે વેવાઈને સત્તા સોંપવાની તૈયારી હોવાની સહકારી વર્તુળોમાં ચર્ચા | પૂર્વ ચેરમેન મહેશ પટેલની ફરી ચેરમેન બનવાની સક્રિયતાને લઈને અનેક સવાલો

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકની ચૂંટણીને લઈને સહકારી રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી એક જ પરિવારનું બેંકની સત્તા પર વર્ચસ્વ હોવાની ચર્ચા વચ્ચે હવે ફરી એ જ પરિવારના સભ્યને સત્તાના સિંહાસન પર બેસાડવાની કવાયત ચાલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વેવાણ બાદ હવે વેવાઈને ફરી સત્તા સોંપવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા વચ્ચે સહકારી ક્ષેત્રમાં અનેક સવાલો ઊભા થયા છે.

સાબરડેરીના તાજેતરના વિવાદોની વચ્ચે સાબરકાંઠા બેંકની ચૂંટણીનું રાજકારણ દબાઈ રહ્યું હોવાની પણ ચર્ચા છે. બેંકની ચૂંટણી નિર્ધારિત સમય કરતાં અંદાજે 10 મહિના મોડી યોજાઈ હોવાના મુદ્દે પણ સત્તા જાળવી રાખવા માટે સમય ખેંચવામાં આવ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. બીજી તરફ ભાજપની સેન્સ પ્રક્રિયામાં પણ વેવાઈ-વેવાણનાં નામ આગળ આવતાં સહકારી રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

આ સમગ્ર રાજકીય સમીકરણોમાં સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલની ભૂમિકા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સહકારી વર્તુળોમાં એવી ચર્ચા છે કે મહેશ પટેલ ફરી એકવાર બેંકના ચેરમેન બનવા માટે સક્રિય થયા છે. જોકે, તેમની ઉમેદવારી અને પાત્રતાને લઈને અગાઉના કાયદાકીય વિવાદો ફરી ચર્ચામાં આવ્યા છે.

મહત્વનું છે કે સતત 10 વર્ષ સુધી ડિરેક્ટર તરીકે રહેવાની મર્યાદાને કારણે મહેશ પટેલ ચૂંટણી લડી શક્યા નહોતા. ત્યારબાદ બોર્ડમાં તેમની કોપ્ટ સભ્ય તરીકે વાપસી થઈ હતી. હવે કોપ્ટ સભ્ય તરીકે બોર્ડમાં પ્રવેશ કર્યા બાદ ફરી ચેરમેન બનવાની સંભાવનાને લઈને પાત્રતા અને કાયદાકીય જોગવાઈઓ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓ અને બોર્ડમાં તેમની નિમણૂક કઈ પ્રક્રિયા હેઠળ થઈ હતી તે મુદ્દે સ્પષ્ટતાની માંગ ઊઠી રહી છે.

બીજી તરફ બેંકના સત્તાકીય સમીકરણો જાળવવા માટે સાબરડેરીના રાજકારણને આગળ કરવામાં આવી રહ્યું હોવાની પણ ચર્ચા છે. સાબરડેરીની વાર્ષિક સાધારણ સભામાં થયેલા ઉશ્કેરાટ પાછળ પણ રાજકીય ગોઠવણ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જોકે, આ આક્ષેપો અને ચર્ચાઓ અંગે સંબંધિત પક્ષોનો ખુલાસો પણ મહત્વનો બની રહે છે.

એક તરફ ભાજપ દ્વારા યુવા નેતૃત્વને તક આપવાની વાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સાબરકાંઠા બેંકમાં જૂના સત્તાકીય સમીકરણો અને પરિવારના વર્ચસ્વને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સાબરકાંઠા બેંકની સત્તા ફરી એક જ પરિવારના હાથમાં જશે કે સહકારી ક્ષેત્રમાં નવા ચહેરાઓને તક મળશે? પૂર્વ ચેરમેન મહેશ પટેલની ભૂમિકા, તેમની કાયદાકીય પાત્રતા અને ભાજપની અંતિમ પસંદગી પર સૌની નજર મંડાઈ છે. આગામી દિવસોમાં સાબરકાંઠા બેંકનું સહકારી રાજકારણ કઈ દિશામાં આગળ વધે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!