અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકમાં મારામારીની એક ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સગા કાકાના દીકરા સાથે ગાળો બોલવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ યુવકને માર મારવામાં આવતાં ગંભીર ઇજાઓ થઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ, ગત 12 નવેમ્બરના રોજ પહાડિયા ગામના મુકેશભાઈ સુરમાભાઈ ડોડીયાર અને અશ્વિનભાઈ હરજીભાઈ ડોડીયાર વચ્ચે ગાળો બોલવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા મુકેશભાઈએ અશ્વિનભાઈને મોઢા અને માથાના ભાગે ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં અશ્વિનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતાં પ્રથમ શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.જોકે, જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા અશ્વિનભાઈનું આખરે 17 નવેમ્બરના રોજ સવારે આશરે 6:30 વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે સમાધાન અને સારવારના ખર્ચ અંગે વાતચીત ચાલી રહી હોવાથી ફરિયાદ નોંધાવવામાં આવી ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
યુવકના મોત બાદ મૃતકના ભાઈ સુરેશભાઈ ડોડીયારે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પહાડિયા ગામના મુકેશભાઈ સુરમાભાઈ ડોડીયાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આમ, 12 નવેમ્બરના રોજ થયેલી મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવકનું પાંચ દિવસ બાદ સારવાર દરમિયાન મોત થતાં મામલો વધુ ગંભીર બન્યો છે. શામળાજી પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





