30.9 C
Gujarat
Tuesday, November 24, 2026
Home HeadLines સાબરકાંઠા : CM ભુપેન્દ્ર પટેલ કરણપુર શ્રી અર્બુદા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ...

સાબરકાંઠા : CM ભુપેન્દ્ર પટેલ કરણપુર શ્રી અર્બુદા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ મહોત્સવમાં ઉપસ્થિત 

0

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું સમાજ સંગઠિત બને, શિક્ષિત બને અને સંસ્કારસભર બને તે જ ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે

સમાજની એકતા, સંગઠનશક્તિ અને સંસ્કારધામના નિર્માણને બિરદાવ્યું

મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે ‘આંજણા અસ્મિતા’ સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરાયું

 

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના કરણપુર ખાતે આંજણા (ચૌધરી) પટેલ સમાજ સેવા મંડળ દ્વારા આયોજિત અર્બુદા સંસ્કારધામ ખાતે શ્રી અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, સંતો-મહંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

 

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેવદિવાળીના પાવન અવસરે માં અર્બુદાના સાનિધ્યમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. આજનો પ્રસંગ માત્ર ધાર્મિક મહોત્સવ નથી, પરંતુ સમાજની એકતા, સંગઠનશક્તિ અને સામૂહિક સંકલ્પનો સંગમ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્રને અનુરૂપ આપણી સંસ્કૃતિ અને વારસાનું જતન કરવાની સાથે વિકાસને પણ આગળ વધારવાનો છે. આપણાં ધર્મસ્થાનો અને આસ્થાનાં કેન્દ્રો સમાજ માટે ઊર્જાનાં કેન્દ્રો સમાન છે. વધુમાં જણાવ્યું હતું કે, અર્બુદા માતાજીની સાથે સંત શિરોમણિ પૂજ્ય રામજી બાવજી, પૂજ્ય નાથુ બાવજી અને પૂજ્ય જયસિંહ બાવજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ સમાજ માટે આધ્યાત્મિક ગૌરવની બાબત છે. સંતોના આશીર્વાદ અને માતાજીની કૃપા આવનારી પેઢીઓને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપતા રહે તેવી પ્રાર્થના છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૩૮૦ ગામોમાં વસવાટ કરતા સમાજના પરિવારોને એક તાંતણે બાંધવામાં અર્બુદા સંસ્કારધામ મહત્વપૂર્ણ માધ્યમ બનશે.

 

તેમણે ઉમેર્યું હતું કે, સમાજ સંગઠિત બને, શિક્ષિત બને અને સંસ્કારસભર બને તે સમયની જરૂરિયાત છે. સમાજના ઇતિહાસ અને વારસાનું ગૌરવ જાણતી નવી પેઢી જ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. ‘આંજણા અસ્મિતા’ સ્મૃતિ ગ્રંથ દ્વારા સમાજના ઇતિહાસ, સિદ્ધિઓ અને સામાજિક પ્રદાનની જાણકારી નવી પેઢી સુધી પહોંચશે. સંસ્કારધામના નિર્માણમાં યોગદાન આપનાર તમામ હોદ્દેદારો, દાતાઓ અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ સામૂહિક કાર્યમાં આર્થિક યોગદાન આપનારની સાથે પરિશ્રમ કરનાર વ્યક્તિનું યોગદાન પણ એટલું જ મૂલ્યવાન છે. સમાજના દરેક વ્યક્તિના સહયોગ અને સમર્પણથી જ આવા ભગીરથ કાર્યો સાકાર થાય છે.મુખ્યમંત્રીએ યુવાનોને વ્યસનથી દૂર રહી શિક્ષણ, કૌશલ્ય અને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ આગળ વધવા તેમજ નશામુક્ત ભારતના સંકલ્પમાં સહભાગી બનવા પણ આહ્વાન કર્યું હતું.

 

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં અધ્યાત્મ, શિક્ષણ, ધર્મ, વિરાસત અને સંતોની ઉજ્જવળ પરંપરાનો સમન્વય જોવા મળ્યો છે. સમાજના વિકાસમાં શિક્ષણની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. શિક્ષણના કારણે સમાજમાં પરિવર્તન આવ્યું છે અને આવનારા સમયમાં પણ શિક્ષણ જ પ્રગતિનો પાયો બનશે. યુવા પેઢીએ વ્યસનથી દૂર રહી શિક્ષણને પ્રાધાન્ય આપીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.

 

દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, મા ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સંસ્કારધામમાં શિક્ષણ અને જ્ઞાનના પ્રસાર માટે પુસ્તકાલય જેવી સુવિધાઓ ઊભી કરવાનો વિચાર સરાહનીય છે. સમાજનો વિકાસ માત્ર એક સમાજ પૂરતો મર્યાદિત ન રહેતાં તમામ સમાજના સહયોગ અને એકતાથી જ સાચી પ્રગતિ શક્ય બને છે. સામાજિક એકતા જાળવી રાખવી અને મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન ભાગીદારી આપવી એ સમયની માંગ છે. સમાજની દરેક વ્યક્તિએ પરસ્પર સહયોગ અને સંવાદિતા સાથે આગળ વધવું જોઈએ.

 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘આંજણા અસ્મિતા’ સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ગ્રંથ દ્વારા સમાજના ઇતિહાસ, પરંપરા, સિદ્ધિઓ અને યોગદાનને દસ્તાવેજી સ્વરૂપે નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી પી.સી. બરંડા, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ,અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!