ભગવાન લાલજીનો વાજતે-ગાજતે વરઘોડો નીકળ્યો, લોકગાયક હેમંત ચૌહાણે ભક્તિગીતો અને લગ્નગીતોથી માહોલ ભક્તિમય બનાવ્યો
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પ્રબોધિની એકાદશીના પાવન અવસરે ભગવાન તુલસીજીના વિવાહનો ભવ્ય મનોરથ યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.તુલસી વિવાહના પ્રસંગે શામળાજી મંદિરને રંગબેરંગી ફૂલો અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. બપોર બાદ ભગવાન લાલજીને બગીમાં બિરાજમાન કરી વાજતે-ગાજતે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે મંદિર પરિસરમાં ૨૦ બાય ૨૦ ફૂટની વિશાળ ચોરીમાં ભગવાનનો લગ્નોત્સવ ધાર્મિક વિધિ-વિધાન સાથે સંપન્ન કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે બાયડથી આવેલો યજમાન પરિવાર ભગવાનના લગ્નોત્સવનો યજમાન બન્યો હતો. જ્યારે જાણીતા લોકગાયક હેમંત ચૌહાણે ઉપસ્થિત રહી ભક્તિગીતો અને પરંપરાગત લગ્નગીતોની સુરાવલીઓ રજૂ કરી હતી. તેમના ગીતોથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું.ભગવાન તુલસીજીના વિવાહના આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને લગ્નોત્સવમાં સહભાગી બની ધાર્મિક આસ્થાની સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.





