આ વખતે વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનશે તેવું લાગી રહ્યું છે. રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળે છે. કલાકો માટે પક્ષ પલટો કરતા નેતાઓ પર મતદારો કેવી રીતે વિશ્વાસ કરશે તે પણ એક સવાલ છે. કોઈપણ પક્ષ લોકો માટે છે તે હવે કહેવું મુશ્કેલ છે કારણ કે, નેતાઓ પોતાના સ્વાર્થ માટે પક્ષ પલટો કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં ખેડા જિલ્લાનું રાજકારણ ચર્ચાઓમાં ચાલી રહ્યું છે.
માતર બેઠક પરથી પહેલા મહિપતસિંહના નામની જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી હતી જોકે અચાનક જ ભાજપના નેતા કેસરીસિંહને આપમાં જોડવામાં આમ આદમી પાર્ટીને સફળતા મળી હતી, પણ આ માત્ર કલાકોનો જ ખેલ સાબિત થયો હતો અને આ બાજુ મહિપતસિંહનું પત્તુ કપાઈ ગયું હતું. કેસરીસિંહ આપમાં જોડાતા જ માતર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ તેમને ઉમેદવાર જાહેર કરી દીધા હતા, જોકે હવે કેસરીસિંહ ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી લેતા આમ આદમી પાર્ટી સાથે દાવ થઇ ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, તો બીજી બાજુ મહિપતસિંહ પાસે કયા મોંઢે આમ આદમી પાર્ટી જશે તે પણ એક સવાલ છે.