વિધાનસભાની ચૂંટણી આ વખતે રસપ્રદ અને ચોંકાવનારા પરિણામો લાવે તેવી રહેવાના પૂરેપુરા સંકેતો છે. કારણે ગુજરાતના નવ જેટલા ભાજપના બળવાખોર નેતાઓએ આ વખતે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને છે, જેને લઇને ભાજપમાં અંદરો-અંદર છૂપો ડર પ્રવર્તી રહ્યો છે. ભાજપમાં હવે તમામ લોકો પોતાને મોટા નેતા ગણવા લાગ્યા છે અને કાર્યકરોને અવગણના થઇ રહી છે, એટલું જ નહીં ભાજપમાં આંતરિક ડખા વધી જવાથી આ સમસ્યા ઉદભવી છે ત્યારે પ્રધાનમંત્રી મોદીની સભામાં પણ હવે શ્રોતાઓનો ઉત્સાહ ઓછો થવા લાગ્યો છે.
અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા પણ હવે આકરા મુડવમાં જોવા મળી રહ્યા છે. ભાજપમાંથી ટિકિટ કપાતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. તેમણે માલપુરમં જંગી સભા સંબોધી હતી, અને ભાજપે દગો કર્યો હોવાનું જણાવ્યું હતું, તેમણે માલપુર ખાતે યોજેલી સભામાં જણાવ્યું કે, ભાજપે સામી છાતીએ કહ્યું હોત કે ધવલભાઈ તમારે ચૂંટણી લડવાની નથી તો તેઓ ચૂંટણી ન લડતા, પણ આ લોકોએ છેલ્લે સુધી રમાડી-રમાડી પીછ પાછળ ખંજર ભોંકી દીધું છે તેનો જવાબ આપવા તેઓ ચૂંટણી મેદાને છે.
માલપુર ખાતે કોંગ્રેસ અને ભાજપના પૂર્વ નેતા અને માજી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે એમપણ જણાવ્યું હતું કે, તેમની સાથે તમામ પ્રકારનું જોર લગાવવાના છે એટલું જ નહીં તેમણે જણાવ્યું કે, સત્તાના નશામાં પાણી, પૈસા અને અન્ય ચીજવસ્તુઓ આપશે અને ખોટી અફવાઓ ફેલાવશે પણ તમારે ભરમાવવાનું નહીં.
ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે, હું ચૂંટણી લડવા નથી આવ્યો હું ધારાસભ્ય નથી બનવાનો તેમના મતવિસ્તારના તમામ લોકો ધારાસભ્યો બનવાના છે. આ સાથે જ તેમને હરાવવા માટે માર્કેટમાં ત્રણ-ત્રણ ધારાસભ્યો મેદાને છે, જેમાં માજી અને વર્તમાન ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમાર, કોંગ્રેસના બાયડ બેઠકના વર્તમાન ધારાસભ્ય જશુ પટેલ અને બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રિસંહ વાઘેલા મેદાને પડ્યા છે.
માલપુર ખાતે ધવલસિંહ ઝાલાના શક્તિ પ્રદર્શનમાં વિરોધીઓ પર આકરા પ્રહારો કરી ચોમાસાના દેડકાં ગણાવ્યા હતા, તેમણે જણાવ્યું કે, ચોમાસુ આવે એટલે દેડકાની જેમાં ડ્રાઉં…ડ્રાઉં.. કરીને ફૂંટી નિકળશે. ચૂંટણી આવે એટલે આવા દેડકાં ફૂટી નિકળ્યા છે. આ સાથે જ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે, છટકું ગોઠવી 11 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે, જેથી ધવલસિંહ ઝાલા હારી જાય.
અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર દર ચૂંટણી ભારે રસાકસી ભરી હોય છે ત્યારે આ વખતે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે અને પરિણામો પણ રોંચક આવવાની સંભાવનાઓ છે.