મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું, “14.98 કરોડ મનરેગા મજૂરોના બેંક ખાતા હજુ પણ આધાર સાથે જોડાયેલા નથી. મોદી સરકારે આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ ફરજિયાત બનાવી છે. આ મજૂરોને માત્ર 31 માર્ચ, 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. શું આ પછી એમને એમની મજૂરી નહીં મળે? મજૂરોને મજબૂર ન સમજો, મોદીજી.”
બેરોજગાર વર્ગ માટે કટોકટીના સમયમાં મનરેગાને આશાનું કિરણ ગણાવતા સંસદની એક સમિતિએ એ વાત પર ચિંતા વ્યક્ત કરી છે કે વર્ષ 2022-2023ના સુધારેલા અંદાજની સરખામણીમાં વર્ષ 2023-24માં મનરેગાના બજેટ અંદાજમાં 29,400 કરોડ રૂપિયા કાપવામાં આવ્યા છે. લોકસભામાં બુધવારે રજૂ કરાયેલ ડીએમકે સાંસદ કનિમોઝી કરૂણાનિધિની અધ્યક્ષતાવાળી ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પરની સ્થાયી સમિતિના અહેવાલમાં આ જણાવવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.
‘શું આ પછી તેમને વેતન નહીં મળે?’
મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું, “14.98 કરોડ મનરેગા મજૂરોના બેંક ખાતા હજુ પણ આધાર સાથે જોડાયેલા નથી. મોદી સરકારે આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ ફરજિયાત બનાવી છે. આ મજૂરોને માત્ર 31 માર્ચ, 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. શું આ પછી એમને એમની મજૂરી નહીં મળે? મજૂરોને મજબૂર ન સમજો, મોદીજી.”
વંચિત વર્ગને કામ કરવાનો અધિકાર
જણાવી દઈએ કે મનરેગા કાયદા હેઠળ, કામ કરવા ઇચ્છુક ગ્રામીણ વસ્તીના વંચિત વર્ગને કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મનરેગાની ભૂમિકા અને મહત્ત્વ કોરોનાના સમયગાળામાં સ્પષ્ટપણે દેખાયું જ્યારે તે સંકટના સમયમાં જરૂરિયાતમંદ લોકો માટે આશાનું કિરણ બની. આ યોજનાનું મહત્ત્વ વર્ષ 2020-21 અને 2021-22માં સુધારેલા અંદાજના સ્તરમાં અનુક્રમે 61,500 કરોડ રૂપિયાથી 1,11,500 કરોડ રૂપિયા અને 73,000 કરોડ રૂપિયાથી 99,117 કરોડ રૂપિયાના ભારે વધારાથી સ્પષ્ટ થાય છે.
ચાલુ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન પણ, મનરેગા માટેની રકમ 73,000 કરોડ રૂપિયાના બજેટ અંદાજથી વધારીને સુધારેલા અંદાજના તબક્કે 89,400 કરોડ રૂપિયા કરવામાં આવી છે. અહેવાલ મુજબ, ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રારંભિક તબક્કે જ મનરેગા માટે 98,000 કરોડ રૂપિયાની સૂચિત માંગ સામે 60,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.