અરવલ્લી જીલ્લામાં વાદળોની આવન-જાવન વચ્ચે ચોમાસું દસ્તક ન દેતા ખેડૂતો સહિત લોકોમાં ચિંતા પ્રસરી છે વાદળોની ઘેરાબંધીથી ભેજનું પ્રમાણ વધતા અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે માલપુર,મેઘરજ અને મોડાસા પંથકમાં રાત્રિના સુમારે વાતાવરણમાં બદલો આવતા હળવા પવન સાથે મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય બફારાથી રાહત અનુભવી હતી
અરવલ્લી જીલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે જુન મહિનાના 22 દિવસ પૂર્ણ થવા આવ્યા છતાં વરસાદ સંતાકુકડી રમી રહ્યો છે માલપુર-મેઘરજ પંથકમાં રાત્રીના સુમારે અચાનક પલ્ટા સાથે પવન ફૂંકાઈ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું માલપુર તાલુકાના સજ્જનપુરાકંપા, ગોવિંદપુરાકંપા વણઝારીયા, ધીરાખાંટના મુવાડા તેમજ મેઘરજ તાલુકાના લીંબોદરા,ભૂંજરી, કૃષ્ણપૂર સહિતના વિસ્તારમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોના હૈયે હાશકારો થયો હતો જોકે હજુ વાવણી લાયક વરસાદ થાય તેની ભૂમિપુત્રો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ધોમધખતા તડકા અને અસહ્ય બફારા-ઉકળાટથી તોબા પોકારી ઉઠેલા લોકોએ વરસાદ વરસતા ઠંડકનો અનુભવ કર્યો હતો