અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક સહિત આજુ-બાજુના અંતરિયાળ ડુંગરાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની સિઝનની શરૂઆત દરમિયાન જ કોઈ પણ ટેકનિકલ કારણોસર યુ.જી.વી.સી.એલ નો વીજ પ્રવાહ સંપુર્ણપણે વારંવાર ઠપ્પ થઈ જાય ત્યારે રાત્રી દરમિયાન અસહ્ય બાફ અને ઉકળાટભર્યા માહોલ વચ્ચે પ્રજાજનો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે.
ભિલોડા તાલુકા મથક ખાતે યુ.જી.વી.સી.એલ નું હાથમતી ફિડરની વીજ લાઈન રાત્રે સતત બે કલાક સુધી સંપુર્ણપણે બંધ રહેતા અંધારપટ છવાતા પ્રજાજનો ને દરમિયાન ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.ભિલોડામાં ઠેર-ઠેર અબાલ, વૃદ્ધો, સહિત બિમાર અસશક્ત વ્યકિતઓ રાત્રી દરમિયાન વીજ પ્રવાહ ખોરવાતા ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા.અસહ્ય બાફ ઉકળાટભર્યા માહોલ અને ગરમીથી ત્રસ્ત થઈ અમુક પ્રજાજનો પરસેવાથી રેબઝેબ થઈ તેઓના ધરની બહાર નિકળી ગયા હતા.વીજ પ્રવાહ ક્યારે કાર્યરત થાય તેની રાહ જોઈ ને ધરની બહાર બેઠા હતા.ભિલોડા સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી દરમિયાન જયારે વીજ પ્રવાહ બંધ થાય ત્યારે પ્રજાજનો ભયભીત રહેતા હોય છે.વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ માઠી અસરો વર્તાઈ રહી છે.ચોમાસાની સિઝન દરમિયાન ઝેરી-જીવજંતુઓ અને મચ્છરોનો ઉપદ્રવ દિન-પ્રતિ-દિન વધતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.યુ.જી.વી.સી.એલના ઉચ્ચ કક્ષાના જવાબદાર અધિકારીઓ ધ્વારા અનેકવિધ વીજ લાઈનો નું સત્વરે યોગ્ય રીતે સમારકામ હાથ ધરાઈ અને વીજ પ્રવાહ પુરતા પ્રમાણમાં વીજ ગ્રાહકોને મળે તેવી આશા સેવી રહ્યા છે.