સાઉદી અરેબિયાના જેદ્દાહમાં IPL 2025 મેગા ઓક્શનનો પ્રથમ દિવસ ઉત્સાહથી ભરેલો રહ્યો. રવિવારે યોજાયેલી હરાજીમાં કુલ 84 ખેલાડીઓની બોલી લાગી હતી, જેમાંથી 72 ખેલાડીઓને 10 ટીમોએ ખરીદ્યા હતા. તેના પર કુલ 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
બીજા દિવસની હરાજી સોમવારે બપોરે 3.30 કલાકે શરૂ થશે. જેમાં 493 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે અને 132 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. ફ્રેન્ચાઇઝી પાસે 174 કરોડ રૂપિયાની રકમ હજુ બાકી છે. ચાલો જાણીએ પહેલા દિવસે વેચાયેલા 5 સૌથી મોંઘા ખેલાડીઓ વિશે…
1.ઋષભ પંત સૌથી મોંઘો ખેલાડી બન્યો
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ ઋષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેની મૂળ કિંમત માત્ર 2 કરોડ રૂપિયા હતી.
2. શ્રેયસ અય્યર પંજાબ તરફથી રમશે
રાઈટ હેન્ડ સ્ટાર બેટ્સમેન અય્યર બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડની બોલી લગાવી હતી.
3. વેંકટેશ ઐયર કેકેઆરમાં પરત ફર્યા
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ વેંકટેશ ઐયરને 23.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો. તે ત્રીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો.
4. અર્શદીપ સિંહ માટે મોટી બોલી
અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે RTM કાર્ડનો ઉપયોગ કરીને 18 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. તે ગત સિઝનમાં પણ આ જ ટીમ તરફથી રમ્યો હતો.
5. યુઝવેન્દ્ર ચહલ પંજાબ કિંગ્સમાં ગયો
આ સ્ટાર લેગ સ્પિનરને RR દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને પંજાબ કિંગ્સે આ સિઝનમાં 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચહલ IPL ઈતિહાસનો સૌથી મોંઘો સ્પિનર બન્યો છે. ચહલે આઈપીએલમાં અત્યાર સુધી 160 મેચમાં 205 વિકેટ લીધી છે.