ગોધરા
પંચમહાલ જીલ્લાના હાલોલ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિક એકમોમાં તંત્ર દ્વારા દરોડા પાડવાની કાર્યવાહી બાદ ગોધરા શહેરમાં આવેલા પ્લાસ્ટિકના એકમો પર પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જુદા જુદા એકમોમાંથી તપાસ દરમિયાન 1200 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. પ્લાસ્ટિકના એકમો પર કાર્યવાહીમાં પાલિકાટીમ તેમજ જીપીસીબી અને પોલીસની ટીમ પણ જોડાઈ હતી
પંચમહાલ જીલ્લામાં આવેલા પ્લાસ્ટિકના એકમો પર કાર્યવાહી પાલિકા તંત્ર અને જીપીસીબી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. હાલોલનગરમાં તો એકમોના વેપારીઓ તેમજ તંત્ર સાથે ચકમક પણ થઈ હતી. પંચમહાલના પાટનગર ગોધરા ખાતે આવેલી જીઆઈડીસીના એકમો પર પાલિકા ટીમ તેમજ જીપીસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેના -પગલે એકમોના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. તપાસ દરમિયાન 120 માઈક્રોન કરતા ઓછી ગુણવત્તાવાળા પ્લાસ્ટીકના ઝબલા તેમજ ગ્લાસ સહિતનો જથ્થો ઝડપાયો હતો. પાલિકા ટીમે 1200 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.