33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત રાજ્યના મહેસુલી કર્મચારીઓએ ધારણ કરી કાળી પટ્ટી, 30 એપ્રિલના રોજ ઉતરશે માસ...

રાજ્યના મહેસુલી કર્મચારીઓએ ધારણ કરી કાળી પટ્ટી, 30 એપ્રિલના રોજ ઉતરશે માસ સી.એલ. પર, વાંચો કઈ છે માંગણીઓ

0
183

અરવલ્લી જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓએ લાંબા સમયથી પડતર માગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. અરવલ્લી જિલ્લા સેવા સદન, મોડાસા ખાતે કલેકટર કચેરી, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી મોડાસાના તમામ મહેસૂલી કર્મચારીઓએ એકઠા થઈ કાળી પટ્ટી ધારણ કરી હતી. આ સાથે જ અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં આવેલી મામલતદાર કચેરી ખાતે પણ મહેસુલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધમાં જોડાયા હતા. આ સાથે જ આગામી સમયમાં તા. 30-04-2025 ના રોજ માસ CL પર જવા અંગે કાર્યક્રમ જાહેર કર્યો છે.

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા 6/4/2025 ના રોજ કારોબારી બેઠક ગીર સોમનાથ ખાતે મળેલ હતી. આ બેઠકમાં મહેસૂલી કર્મચારીને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેનું નિવારણ લાવવા માટે સરકાર સમક્ષ માંગણી મુકવામાં આવી હતી. આ બેઠકમાં મહેસુલી કર્મચારીઓના મુખ્ય ચાર પ્રશ્નોને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગામી સમયમાં તબક્કાવાર કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા.

મહેસુલી કર્મચારીઓની મુખ્ય ચાર માંગણીઓ
(1) વર્ષ 2012 ના નાયબ મામલતદારોની સીનિયોરીટી યાદી ડીમ્ડ ડેટના લાભસાથે પ્રસિદ્ધ કરી મામલતદાર ના પ્રમોશન આપવા.
(2) જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવો અને ત્યાર બાદ જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમનો ઉપયોગ
કરી,કલેક્ટરની noc મેળવવાની પ્રથા બંદ કરી પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો તે જ વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલ માં મુકવી.
(3) વર્ષ 2015 ના તમામ ક્લાર્ક સવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવા.
(4) હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા.

રાજ્યના મહેસુલી કર્મચારીઓની માંગણીઓને સંતોષવા માટે આગામી 30 એપ્રિલના રોજ એક દિવસની માસ સી.એલ. પર ઉતરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ મહેસુલી કર્મચારીઓની માંગણીઓ નહીં સંતોષાય તો, આગામી દિવસોમાં અલગ-અલગ કાર્યક્રમો પણ યોજવાની રણનીતિ તૈયાર થાય, તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!