રાજ્યભરમાં ગઈકાલથી ચોમાસુ જામ્યું છે. ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આજે સવારે આઠ વાગ્યાથી સાંજનાં છ વાગ્યા સુધીમાં રાજ્યનાં 195 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનાં લગભગ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદથી અનેક ડેમ છલકાતા હેઠવાસનાં સંખ્યાબંધ ગામડાંઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં અનેક માર્ગો ધોવાઇ જવાથી જનજીવન પર અસર
સ્ટેટ ઇમરજન્સી ઓપેરશનની યાદી પ્રમાણે સવારના છ વાગ્યાથી સાંજનાં છ વાગ્યા સુધાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ બોટાદ જિલ્લાનાં બરવાળા.તાલુકામાં પડ્યો છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં સાડા છ ઇંચ, મુળી તાલુકામાં સાડા પાંચ ઇંચ અને થાનગઢમાં પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યનાં 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના થોરીયાળી ગામ પાસે આવેલો થોરીયાળી ડેમ ૯૦ ટકા ભરાઈ જતાં ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા માલમિલકતને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના આપવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી અને ચોટીલા તાલુકામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નાયકા ડેમનાં ૧૯ દરવાજા આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
બોટાદ જિલ્લાનાં બરવાળાની ઉતાવળી નદી પુલ પર એક તરફ વાહન વ્યવહાર કરાયો છે. તાલુકાના વાઢેળા-નાવડા વચ્ચેનો રોડ તૂટતાં વાઢેળા ગામ સંપર્કવિહોણું થઈ ગયું છે.
દ્વારકાના ભાણવડ તાલુકાના ગુંદા, સાજડિયારી, કાલાવડ, કંટોલીયા, ગુંદલા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદનાં અહેવાલ છે. મોરબીમાં મચ્છુ ત્રણ ડેમનો એક દરવાજો ખોલીને ૭૫ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવતા મોરબીના ૧૩ અને માળિયાના ૮ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લામાં વલ્લભીપુર- ભાવનગર હાઇવે ને જોડતો ચમારડી પાસે આવેલો ચોગઠનો ઢાળ પાસેનો પુલ બંધ કરવામાં આવ્યો છે. શેત્રુંજી ડેમ આજે બપોરે સંપૂર્ણ ભરાઈ ગયો હતો. ભાવનગર જિલ્લામાં આવતી કાલે તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી બે વ્યક્તિનાં મૃત્યુનાં અહેવાલ છે. રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે. કચ્છ જિલ્લામાં પણ સાવર્ત્રિક વરસાદનાં અહેવાલ છે. જિલ્લાના દસ પૈકી આઠ તાલુકામાં અડધોથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ભુજમાં સતત વરસાદને પગલે હમીરસર તળાવને પાણી પૂરુ પાડતાં બંધમાં જળસપાટી વધી હતી. આ ઉપરાંત, અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, રાપર, ભચાઉ અને નખત્રાણા તાલુકાં હળવો વરસાદ વરસ્યો છે.
દરમિયાન, ગાંધીનગરમાં રાહત કમિશનરની અધ્યક્ષતામાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે વેધર વોચ કમિટીની બેઠક મળી હતી, જેમાં હવામાન વિભાગ, મહેસુલ, માર્ગ અને મકાન, એનડીઆરએફ, એસડીઆરએફ તથા કોસ્ટ ગાર્ડ સહીતની એજન્સીઓનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે સવાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 70 મિલિમીટર વરસાદ પડ્યો છે, જે સરેરાશ વરસાદનીસામે આઠ ટકા જેટલો થાય છે. વિસ્તાર પ્રમાણે જોઇએ તો સરેરાશ વરસાદ સામે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે પૂર્વ મધ્યમાં સાડા સાત ટકા અને કચ્છમાં સાત ટકા વરસાદ પડ્યો છે.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 41 મિલિમિટર વરસાદ .
રાજ્યમાં હાલની સ્થિતિએ સાત ડેમ હાઇ એલર્ટ પર અને છ ડેમ એલર્ટ પર છે, જ્યારે સંપૂર્ણ ભરાયેલા ડેમોની સંખ્યા છ અને 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા ડેમોની સંખ્યા 15 છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 52 ટકા ભરાયો છે.
