રાજ્યના અલગ અલગ બસ સ્ટેશનની કાયા પલટ કરવામાં આવી રહી છે તો ક્યાંક કરી દેવાઈ છે. પબ્લિક પ્રાઈવે પાર્ટનરશીપ અંતર્ગત બસ સ્ટેશનની દિશા અને દશા સુધારી નવીન બનાવાઈ રહ્યા છે. એવું લાગતું હતું કે, કંઈક નવું અને સારૂ મળશે, પણ હવે તો અપેક્ષાઓ જ વરસાદી પાણીમાં સમાઈ ગઈ છે. ગાલિબની એક પંક્તિને યાદ કરીએ તો, કભી કભી એસા લગતા હૈ, જૈસે ખ્વાબો ને હમે ધોખા દિયા. જિલ્લાના લોકોએ નવી આશાઓ, ઉમંગ તેમજ કેટલાક સપના સેવ્યા હતા કે, જુનુ બસ સ્ટેશન ભલે તૂટી ગયું પણ હવે નવી સફર સાથે નવા રંગરૂપના દર્શન થશે. નવીન બસ સ્ટેશન તૈયાર થશે, અને લોકોના આશા-અપેક્ષાઓ પરિપૂર્ણ તો થઈ પણ હવે તેમના સપના પર પાણી ફરી વળ્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થોડા સમય પહેલા મુખ્યમંત્રીના હસ્તે આઈકોનિક બસ પોર્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. અંદાજે દસ વર્ષ અગાઉ ખાતમુહૂર્ત થયું હતું, જોકે તૈયાર થતાં એક દાયકો થઈ ગયો, લાંબા સમય પછી લોકોને બસ સ્ટેશન તો મળ્યું પણ હવે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. બસ સ્ટેશનની ડિઝાઈન અને તેની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે. અહીં પ્રથમ વરસાદે આટલું બધુ પાણી ક્યાંથી અને કેવી રીતે આવ્યું ? એટલું જ નહીં બસ સ્ટેશનના બેઝમેન્ટમાં પણ સતત પાણી ફૂટતું રહે છે, જેનો કોઈ જ યોગ્ય નિકાલ નથી, તેને કારણે પાર્કિંગ સહિતના પ્રશ્નો પણ ઊભા થતાં હોય છે. હવે વરસાદી પાણીની રેલમછેલ બસ સ્ટેશનમાં જોવા મળી રહી છે.
હાલ સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો છે, જેમાં મોડાસામાં માત્ર એક દિવસના વરસાદમાં જ પીપીપી ધોરણે તૈયાર થયેલા બસ સ્ટેશની પોલ ખોલી નાખી છે. અહીં પાણી આવતા, લોકોએ સવાલો ઉઠાવ્યા છે.






