સાબરકાંઠા પોલીસ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA)ના સંયુક્ત ઉપક્રમે હિંમતનગરની GMERS મેડિકલ કોલેજ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય GMERS મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન અને ફેકલ્ટી સભ્યોમાં કાનૂની સાક્ષરતા ફેલાવવાનો હતો.આ કાર્યક્રમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS), પોલીસ અધિક્ષક, સાબરકાંઠા અને જિલ્લા જાગૃતિ યોજના સમિતિ (NALSA)ના સભ્ય, તેમજ સી.પી. ચારણ, જજ (સચિવ), DLSA, સાબરકાંઠાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે કુલદીપ નાયી, નાયબ પોલીસ અધિક્ષક અને GMERS મેડિકલ કોલેજના ડીન પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા યુવા તબીબી વિદ્યાર્થીઓને તેમના કાનૂની અધિકારો, ફરજો, POCSO એક્ટ, સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ જેવા મહત્ત્વપૂર્ણ કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.આ ઉપરાંત, NALSA હેઠળની યોજનાઓ અને મફત કાનૂની સહાયના અધિકાર વિશે પણ સંવાદ કરી જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને મેડિકલ કોલેજના અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સેમિનારે યુવા તબીબી વિદ્યાર્થીઓને કાનૂની જ્ઞાન, નિવારક જાગૃતિ અને ન્યાય મેળવવાની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપી સશક્ત બનાવ્યા. આ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લામાં એક જાણકાર, જવાબદાર અને કાનૂની રીતે જાગૃત યુવા સમુદાયના નિર્માણ તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. પોલીસ, ન્યાયતંત્ર અને તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ વચ્ચે કાયદા અને ન્યાય પ્રણાલી વિશે સફળ સંવાદ સંપન્ન થયો હતો.






