32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines 31 ડિસેમ્બરને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ મોડમાં, અણસોલ સહિત 10 ચેકપોસ્ટ પર...

31 ડિસેમ્બરને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ મોડમાં, અણસોલ સહિત 10 ચેકપોસ્ટ પર પોલિસનો પહેરો

0
76

પ્રોહીબિશન અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા આંતરરાજ્ય બોર્ડરથી શહેર-ગામ સુધી પોલીસની સઘન કાર્યવાહી, ડ્રોન અને બ્રેથ એનાલાઈઝરથી કડક ચેકિંગ

અંકિત ચૌહાણ/જય અમીન
નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ પણ પ્રકારની કાયદો-વ્યવસ્થાની સમસ્યા ન સર્જાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. 31 ડિસેમ્બરને લઈને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રોહીબિશન અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા વ્યાપક આયોજન સાથે એક્શન મોડમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત–રાજસ્થાનની સરહદ પર ખાસ સતર્કતા દાખવવામાં આવી છે. જિલ્લામાં આવેલી 10 જેટલી આંતરરાજ્ય બોર્ડર પર તેમજ કુલ 48 નાકા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીંથી પસાર થતા દરેક શંકાસ્પદ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસની તમામ ટીમોને બ્રેથ એનાલાઈઝર સાથે વાહન ચેકિંગ માટે તૈનાત કરવામાં આવી છે. દારૂ પીધેલા ડ્રાઈવરો, ગેરકાયદેસર દારૂની હેરાફેરી તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને રાત્રીના સમયે ચેકિંગ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. જિલ્લાના અગત્યના પોઇન્ટો, શહેરના વ્યસ્ત વિસ્તારો, હોટેલ, ઢાબા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. ટેકનોલોજીના સહારે કોઈ પણ અનિચ્છનીય બનાવને અટકાવવા પોલીસ સજ્જ બની છે.

આ સમગ્ર બંદોબસ્ત જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ ગોઠવવામાં આવ્યો છે, જેમાં 4 ડીવાયએસપી, 19 પી.આઈ., 31 પી.એસ.આઈ., 211 પોલીસ કર્મીઓ તેમજ 64 એસ.આર.પી. જવાન સહિત કુલ 432 સુરક્ષા કર્મીઓ ફરજ પર રહેશે. 31 ડિસેમ્બરની રાત દરમિયાન પ્રોહીબિશન સહિત અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે પોલીસ દ્વારા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે કાયદાનું પાલન કરે, દારૂ પીધા વગર વાહન ચલાવે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરે, જેથી નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!