ગોધરા
પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક નવી લહેર જોવા મળી રહી છે. લગ્ન પ્રસંગોમાં થતા અંધાધૂંધ ખર્ચ, દેખાડો અને કુરિવાજોને નાબૂદ કરવા માટે સ્વૈચ્છિક ‘સામાજિક બંધારણ’ ઘડવામાં આવ્યા છે.આ બંધારણોમાં મુખ્યત્વે ડીજે સિસ્ટમ,પર પ્રતિંબંધ મુકવામા આવ્યો છે. તેના લઈને લોન લઈ ડીજે સિસ્ટમ ખરીદીનારા સંચાલકોએ વિરોધ નોધાવી નારાજગીનો સુર વ્યકત કરીને વચલો રસ્તો કાઢવાની માંગ કરી છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો દૂર કરવા માટે સામાજિક સુધારણા અભિયાન વેગ પકડી રહ્યું છે. વિવિધ ગામોના આગેવાનો દ્વારા સામાજિક બંધારણનો કડક અમલ કરાવવા માટે એકતા બતાવવામાં આવી રહી છે. જોકે, આ અભિયાન અંતર્ગત ડીજે સિસ્ટમ પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે સ્થાનિક ડીજે સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ડીજે સંચાલકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે લાખો રૂપિયાની લોન લઈને ડીજે સિસ્ટમની ખરીદી કરી છે. હાલ લગ્નની સીઝન છે અને જો આ સમયે જ પ્રતિબંધ મુકવામાં આવશે, તો બેંકના હપ્તા કેવી રીતે ભરવા? અમારા પરિવારોનું ગુજરાન આ વ્યવસાય પર જ નભે છે.સંચાલકોએ આ મામલે વચલો રસ્તો કાઢવાની માંગ કરી હતી. સંચાલકોના મતે માત્ર ડીજે બંધ કરવાથી જ સમાજ સુધારો થશે તે માનવું ભૂલભરેલું છે. સમાજમાં દારૂ જેવા અન્ય દૂષણો પણ છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. આગામી દિવસોમાં શહેરા તાલુકાના તમામ ડીજે સંચાલકો મોટી સંખ્યામાં એકત્ર થઈને વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવાની તૈયારી કરવાના છે. સંચાલકોએ સંપૂર્ણ પ્રતિબંધ મુકવાને બદલે નિયમોમાં યોગ્ય છૂટછાટ આપી વચલો રસ્તો કાઢવામાં આવે જેથી તેમની આજીવિકા જળવાઈ રહે તેવી સામાજિક અગ્રણીઓને વિનંતી કરી છે.



