Some Populer Post

  • Home  
  • આઝાદીના 78 વર્ષ બાદ પણ કાચો રસ્તો! અરવલ્લીના વાંદીયોલ કાદવીયા ગામના ગ્રામજનોએ બાળકોના અભ્યાસનો બહિષ્કાર જાહેર કર્યો
- Top News - વિડીયો

આઝાદીના 78 વર્ષ બાદ પણ કાચો રસ્તો! અરવલ્લીના વાંદીયોલ કાદવીયા ગામના ગ્રામજનોએ બાળકોના અભ્યાસનો બહિષ્કાર જાહેર કર્યો

[…]

WhatsApp Image 2026 02 12 at 6.20.34 PM

મોડાસા/અરવલ્લી, તા. 12 ફેબ્રુઆરી 2026

અરવલ્લી જિલ્લાના વાંદીયોલ કાદવીયા ગામમાં છેલ્લા અનેક વર્ષોથી ડામર રોડના અભાવે ગ્રામજનોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ડુંગરાળ અને નદી કિનારે આવેલો આ વિસ્તાર આજ સુધી કાચા રસ્તા પર નિર્ભર છે. આઝાદીના ૭૮ વર્ષ પછી પણ મૂળભૂત સુવિધાથી વંચિત રહેતા ગ્રામજનોએ હવે આક્રોશ સાથે મોટો નિર્ણય લીધો છે. ઘણાં વર્ષોથી વાંદિયોલ કાદવીયા વચ્ચે ના રસ્તા અંગે રજૂઆત કરવામાં આવી છતાં, કોઈ જ નિરાકરણ નહીં આવતા, આખરે ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને, મોટી ચીમકી ઉચ્ચારી છે.

બાળકોના જીવ સાથે રમાતો ખેલ: ગ્રામજનો
ચોમાસાની ઋતુમાં નદીમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળા-કોલેજ જવું પડે છે. રસ્તાની દયનીય હાલતને કારણે અનેકવાર અકસ્માતની ભીતિ સર્જાય છે. ગ્રામજનોએ જણાવ્યું કે, “અમે દરરોજ ભયમાં જીવીએ છીએ. અમારા બાળકો ભણવા જાય છે કે જીવ જોખમમાં મૂકે છે, એ પ્રશ્ન છે.” કાચા રસ્તા અને જંગલ વિસ્તારમાં દીપડા, જંગલી ભૂંડ, નીલગાય તથા ભટકતા કુતરાઓનો ભય હંમેશા સતાવે છે. ખાસ કરીને વહેલી સવાર અને સાંજના સમયે બાળકો માટે પરિસ્થિતિ અત્યંત જોખમી બની જાય છે.

અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય
ગ્રામજનોએ સરપંચના નેતૃત્વમાં પદયાત્રા કરી તાલુકા વિકાસ અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું હતું. ધારાસભ્ય, મંત્રી અને સ્થાનિક તંત્રને પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી. પરંતુ આજદિન સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા ન હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે. સરપંચએ પણ તંત્ર સામે લાચારી વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓએ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સમક્ષ વારંવાર મૌખિક રજૂઆત કરી છે, છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.

16 ફેબ્રુઆરીથી બાળકોનો અભ્યાસ બંધ કરવાનો ગ્રામજનોનો નિર્ણય
બાળકોના ભવિષ્ય અને જીવના જોખમને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ જાહેર કર્યું છે કે તા. ૧૬/૦૨/૨૦૨૬ (સોમવાર) થી બાળકોને શાળા, કોલેજ અને આંગણવાડીમાં મોકલવામાં નહીં આવે. તેમનો સ્પષ્ટ મત છે કે — “જ્યાં સુધી ડામર રોડ માટે મંજુરી અને કામ શરૂ થવાની લેખિત ખાતરી નહીં મળે, ત્યાં સુધી આ વિરોધ યથાવત્ રહેશે.” ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો કોઈ અઘટિત ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી અને સ્થાનિક તંત્રની રહેશે.

તાત્કાલિક સ્થળ તપાસ અને રોડ મંજૂરીની માંગ
ગ્રામજનોએ તંત્રને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરી ડામર રોડ મંજૂર કરવામાં આવે. અથવા, બાળકોને અભ્યાસથી વંચિત રાખવાની પરિસ્થિતિ માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page