અંકિત ચૌહાણ-જય અમીન
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં રાજકીય ચહલપહલ તેજ બની છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પહેલા વિવિધ વિસ્તારોમાં આમ આદમી ના પોસ્ટર્સ અનેસ્ટીકર્સ લાગતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાઈ છે.
‘ના બાપનું, ના બેટાનું… હવે ગુજરાત આપનું’
અરવલ્લી જિલ્લાના મુખ્ય વિસ્તારોમાં લાગેલા પોસ્ટરોમાં ઝાડૂના પ્રતિક સાથે ‘ના બાપનું, ના બેટાનું, હવે ગુજરાત આપનું’ જેવા સ્લોગન જોવા મળી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોના મત અનુસાર આ સ્લોગન સીધો જ પરંપરાગત રાજકીય પરિવારો અને વંશવાદ પર નિશાન સાધતો દેખાય છે.
પરંપરાગત પક્ષોને પડકાર?
અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી મુખ્યત્વે બે પરંપરાગત પક્ષો વચ્ચે રાજકીય ટક્કર જોવા મળતી રહી છે. ત્યારે ‘આપ’ દ્વારા પોસ્ટર કેમ્પેઇનની શરૂઆતને એક પ્રકારની રાજકીય એન્ટ્રી તરીકે જોવામાં આવી રહી છે. વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટરો દેખાતા સંકેત મળે છે કે AAP પંચાયતી રાજ ની રાજનીતિમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પ્રયત્નશીલ છે.
મતદારોમાં શું સંદેશ?
રાજકીય જાણકારો માને છે કે ‘આપ’ વિકાસ, પારદર્શિતા અને ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. પોસ્ટરો દ્વારા જનમાનસમાં વૈકલ્પિક રાજકીય વિકલ્પ તરીકે પોતાની છાપ ઉભી કરવાની કોશિશ કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે.
અન્ય પક્ષોની પ્રતિક્રિયા પર નજર
હાલ સુધી અન્ય રાજકીય પક્ષોની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ અરવલ્લીમાં રાજકીય માહોલ હવે ધીમે ધીમે ગરમાતો દેખાઈ રહ્યો છે. આગામી દિવસોમાં ‘આપ’ દ્વારા સભાઓ, સંગઠન વિસ્તરણ અને ઉમેદવાર પસંદગી જેવી પ્રવૃત્તિઓ પર સૌની નજર રહેશે. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની રહી છે, ત્યારે ‘આપ’ની આ પોસ્ટર રાજનીતિ કેટલો પ્રભાવ પાડે છે તે જોવું રહ્યું.



