ગુજરાત સરકાર મહેસુલ વિભાગ દ્વારા તા. 13-02-2026ના પરિપત્ર અનુસાર રાજ્યભરમાં ફરજ બજાવતા કુલ 165 નાયબ મામલતદારોને બઢતી આપી મામલતદાર તરીકે નિયુક્તિ તથા બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજ્યના વહીવટી તંત્રમાં નવી ઊર્જા અને ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર કામગીરી બજાવી હાલ માલપુર ખાતે ફરજ બજાવતા વનરાજસિંહ બારડ (ધંબોલીયા) ને પણ બઢતીનો લાભ મળ્યો છે. તેમને વર્ગ-2 મામલતદાર તરીકે પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીમાં પબ્લિક રિલેશન ઓફિસર (PRO) તરીકે નિમણૂક આપવામાં આવી છે. વનરાજસિંહ બારડએ અરવલ્લી જિલ્લામાં રહી પ્રજાલક્ષી કામો, જમીન સંબંધિત કામગીરી તથા શાસનના વિવિધ યોજનાઓના અમલમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમની કાર્યશૈલી અને સરળ સ્વભાવને કારણે પ્રજા અને સહકર્મચારીઓમાં લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે.
આ બઢતીને લઈને અરવલ્લી તેમજ રાજપૂત સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સમાજના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી “સમગ્ર રાજપૂત સમાજનું ગૌરવ” ગણાવી અભિનંદન પાઠવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વહીવટી તંત્ર વધુ મજબૂત બનશે અને નાગરિકોને સેવા વધુ અસરકારક રીતે મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



