‘સરકારી ફરજ… ખાનગી ગાડી…પગાર નાનો – પેટ્રોલ મોટું, અરવલ્લીમાં તપાસ કરતા પહેલા ગણિત નો કોયડો ઉકેલવો જરૂરી!’
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં પોલીસના D સ્ટાફની કામગીરી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સરકારી ફરજ બજાવવા માટે બનાવેલી વ્યવસ્થા હોવા છતાં મેદાનમાં ખાનગી કાર અને બાઈકમાં તપાસ કરતી ટીમો દેખાતા લોકોમાં કુતુહલ સાથે કટાક્ષ પણ ઊભો થયો છે.’ એટલું જ નહીં અન્ય બીજી તપાસ એજન્સીના કર્મચારીઓ પણ આવી જ રીતે જોવા મળતા હોય છે. થોડા સમય પહેલા કર્મચારીઓ ના પગારને લઇને ચર્ચાઓ ચાલી હતી, તો ઓછા પગાર માં પોતાની ગાડી લઇને ફરવું પરવડે? માની લઈએ કે, આરોપીને પકડવા ખાનગી વાહનો માં ગયા, પણ આનો ખર્ચ કોણ આપતું હશે? શું કોઈ સેટિંગ પાડી દેવાતા હશે??
ખાસ કરીને રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ખાનગી વાહનોમાં ચેકિંગ કરતી ટીમો જોતા લોકોમાં એક જ ચર્ચા – આ મજબૂરી છે કે કોઈ અલગ જ ગણિત? જો કર્મચારીઓ પોતાની સુવિધાથી ફરજ બજાવતા હોય તો ખર્ચ કોણ ઉઠાવે છે અને જો વિભાગીય વ્યવસ્થા છે તો, તે ખુલ્લેઆમ કેમ દેખાતી નથી? અધિકારીઓને આ બાબતની જાણ છે કે બધું મૌન સમર્થનથી ચાલે છે – એવા સવાલો હવે જાહેરમાં પૂછાઈ રહ્યા છે.
સ્થાનિકોમાં તો વ્યંગાત્મક ટિપ્પણીઓ પણ શરૂ થઈ ગઈ છે કે “અરવલ્લીમાં તપાસ કરતાં પહેલાં વાહનની તપાસ કરો – સરકારી છે કે ખાનગી!” મેદાનમાં દોડતી ખાનગી ગાડીઓએ પોલીસની કામગીરી કરતાં વધુ ‘વ્યવસ્થા’ને ચર્ચામાં મૂકી દીધી છે. પરિણામે લોકો હવે કાર્યવાહી કરતાં પારદર્શકતા જોવા માગે છે.
આ આખી સ્થિતિ વચ્ચે તંત્ર માટે પણ સંદેશો સ્પષ્ટ છે – જો આ મજબૂરી છે તો સુવિધા આપો અને જો સુવિધા છે તો સ્પષ્ટતા કરો. નહીં તો અરવલ્લીમાં ગુનેગારો કરતાં વધારે ઝડપથી દોડતી ચર્ચાઓને રોકવી મુશ્કેલ બનશે.



