ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને ‘ભાર વિનાનું ભણતર’ તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તેની સંપૂર્ણ વિપરીત છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાનકડા વિદ્યાર્થીઓ રોજ સરેરાશ પાંચ કિલો જેટલું વજન ધરાવતા સ્કૂલ બેગ સાથે શાળાએ જતા જોવા મળે છે. બાળપણમાં રમકડાં અને રંગબેરંગી પુસ્તકો સાથે ખુશ રહેવાના દિવસોમાં તેમના ખભા પર પુસ્તકોનો ભાર મૂકાઈ રહ્યો છે, જે શિક્ષણ વ્યવસ્થાની સંવેદનશીલતાને પ્રશ્ન કરે છે.
બાળકના શરીરનો વિકાસ નાજુક હોય છે. તબીબી નિષ્ણાતો વારંવાર સૂચવે છે કે બાળકના વજનના ૧૦ ટકા કરતાં વધુ બેગનું વજન ન હોવું જોઈએ. છતાં ખાનગી શાળાઓમાં અનેક વિષયોની અલગ-અલગ પુસ્તકો, નોટબુક, વર્કબુક અને હોમવર્ક ફાઈલોના નામે બેગનું વજન વધતું જાય છે. પરિણામે નાના બાળકોમાં કમરના દુખાવા, ખભાના તાણ અને થાક જેવી સમસ્યાઓ નાની ઉંમરે જ દેખાવા લાગી છે. ‘ભાર વિનાનું ભણતર’ માત્ર કાગળ પરની યોજના બની રહી છે. સરકાર નિયમો બનાવે છે, જોકે તેની અમલવારી કરાવવાન જવાબદારી, સ્થાનિક શિક્ષણ વિભાગ અને તંત્રની હોય છે, જોકે વિભાગ સંચાલકો સાથે દોસ્તી અને મિત્રતા કેળવવામાં નિયમોની કડકાઈ કેવી રીતે કરાવી શકે ? મિત્રતા નિભાવવા માટે કેટલાય બાળકોના ખભાનો ભાર ઓછો થતો નથી, પરિણામે આપણી ભાવી પેઢીને શું શિખવી શકીશું ?

ખાનગી શાળાઓમાં સ્પર્ધાની દોડમાં અભ્યાસક્રમને વધુ ‘એડવાન્સ’ બતાવવા માટે અનાવશ્યક પુસ્તકોનો સમાવેશ થતો હોવાનો આરોપ પણ ઉઠે છે. માતા-પિતાઓ પણ ગુણ અને અંગ્રેજી માધ્યમની ચકાચૌંધમાં બાળકોના આરોગ્ય પર થતા પ્રભાવને ઘણીવાર અવગણે છે. શિક્ષણનું મૂળ ધ્યેય બાળકના સર્વાંગી વિકાસનું છે, પરંતુ અહીં શિક્ષણનું માપદંડ પુસ્તકોની સંખ્યા અને હોમવર્કના ભારથી થતું જણાય છે. સરકાર દ્વારા સમયાંતરે બેગના વજન અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, પરંતુ તેના અમલીકરણ પર ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. શાળાઓમાં લોકર વ્યવસ્થા, ડિજિટલ લર્નિંગ, વિષયવાર દિવસ પ્રમાણે પુસ્તકો લાવવાની પદ્ધતિ અને એકીકૃત નોટબુક જેવી વ્યવસ્થાઓથી આ સમસ્યાનો ઉકેલ શક્ય છે. પ્રશ્ન માત્ર નિયમ બનાવવાનો નથી, પણ તેની કડક અમલવારી કરવાનો છે.
બાળપણ પર ભાર મૂકીને આપણે શિક્ષિત સમાજ નહીં બનાવી શકીએ. નાનકડા ખભા પરનો આ ભાર માત્ર પુસ્તકોનો નથી, પણ આપણા શિક્ષણ મોડેલની ખામીનો પ્રતિબિંબ છે. જો ‘ભાર વિનાનું ભણતર’ ને ખરેખર સાર્થક બનાવવું હોય, તો સરકાર, શાળા સંચાલકો અને વાલીઓએ મળીને બાળકોના આરોગ્યને પ્રાથમિકતા આપવી પડશે. બાળકના ખભા પરનો બેગ હળવો થશે ત્યારે જ તેના મનમાં જ્ઞાનનો ભાર નહીં પરંતુ આનંદનો પ્રકાશ ફેલાશે – અને એ જ સાચું શિક્ષણ ગણાશે.



