અંકિત ચૌહાણ-જય અમીન
અરવલ્લી જિલ્લામાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખી જિલ્લા ટ્રાફિક પોલીસ સતર્ક બની છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સતત ત્રીજા દિવસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જેમાં વડાગામ તેમજ સાઠંબા પંથકમાં ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
સાઠંબા તાલુકામાં ડ્રાઈવ દરમિયાન તાડપત્રી વિના ખનીજ વહન કરતા તેમજ ઓવર સ્પીડમાં દોડતા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આવા ડમ્પરોને ડિટેઈન કરી કાયદેસર દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાથે જ નંબર પ્લેટ વગરના દ્વિ-ચક્રીય વાહનચાલકોને પણ પકડી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ક્વોરી સંચાલકો સાથે બેઠક યોજી ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. છતાં નિયમોના ભંગના બનાવો સામે આવતા ટ્રાફિક પોલીસ દ્વારા મેદાનમાં ઉતરી કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે આ પ્રકારની ડ્રાઈવો આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી પોલીસ સૂત્રો દ્વારા આપવામાં આવી છે.



