- અરવલ્લી જિલ્લા DILR ના પગાર નહીં થતાં હવે કટકીની ગંધ !!!
- પગાર બિલ પાસ કરવાનું કારણ શું, તે સ્પષ્ટતા કરવી જોઈએ
- પહેલા દિવાળીનો વાયદો, પછી ડિસેમ્બર, જાન્યુઆરી, બે દિવસમાં હવે….
- અરવલ્લી જિલ્લા કલેક્ટરને આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ
- પગાર બિલ અટકાવનાર અધિકારીઓનો પગાર પણ ન થવો જોઈએ, જેથી તેમને પણ ભાન થાય
અરવલ્લી જિલ્લામાં જિલ્લા ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ (DILR) કચેરી હેઠળ લાંબા સમયથી કામગીરી બજાવતા લાયસન્સી સર્વેયરોના બાકી પડેલા પગાર મુદ્દે હવે ગંભીર સવાલો ઉઠવા લાગ્યા છે. શરૂઆતમાં દિવાળી સુધી પગાર બિલ થવાની ખાતરી આપવામાં આવી હતી, ત્યારબાદ ડિસેમ્બર, પછી જાન્યુઆરી અને બાદમાં ‘નવા DILR અધિકારીની નિમણૂક થયા પછી થશે’ જેવા સતત આશ્વાસનો આપવામાં આવ્યા હોવાની ચર્ચા છે. છતાં હકીકતમાં આજદિન સુધી ચુકવણી ન થતાં સર્વેયરોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
લાયસન્સી સર્વેયરોનિયમિત રીતે મેદાનમાં કામગીરી બજાવતા હોવા છતાં તેમના મહેનતાણાં માટે મહિનાઓથી રાહ જોવી પડે છે, જેનાથી તેમના પરિવારના આર્થિક સંચાલનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પગાર બિલમાં થતા વિલંબ પાછળ માત્ર વહીવટી કારણો છે કે, અન્ય કોઈ કારણ, તે અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. આટલા વાયદા કરવામાં આવે તો હવે સવાલો ચોક્કસ થઈ થશે કે, ક્યાંક બિલમાં કટકીને કારણે પગાર અટકાવી દેવાય છે. જે અધિકારીઓએ પગાર બિલ કરવામાં વિલંબ કર્યો હતો, તેમના ફેબ્રુઆરીનો પગાર અટકવો જોઈએ, તો ભાન થાય. અરવલ્લી જિલ્લા કલેક્ટરએ આ બાબતે કડક સૂચના કરી ગંભીરતા દાખવવી જોઈએ.
સ્થાનિક સ્તરે હવે એવી માંગ ઉઠી રહી છે કે જો મેદાનમાં કામ કરનારા લાયસન્સી સર્વેયરોના પગાર અટકાવવામાં આવે છે તો જવાબદાર વિભાગના અધિકારીઓ અને સંબંધિત સરકારી સર્વેયરોના પગાર પણ સમયસર રોકવામાં આવે, જેથી પગાર વગર કામ કરવાની પરિસ્થિતિ શું હોય તે સમજાય. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવે અને બાકી રહેલા પગાર બિલ અંગે સમયમર્યાદા જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા સર્વેયરોમાં જોવા મળી રહી છે. હાલ આ સમગ્ર મામલો જિલ્લા સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.



