અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જાય છે. ખાસ કરીને મોડાસા નવા બસ સ્ટેશનથી કડિયાવાડા રોડ પરથી પસાર થવું સામાન્ય નાગરિકો માટે ‘લોઢાના ચણા ચાવવા’ જેટલું કઠિન બની ગયું છે. શહેરના આ વ્યસ્ત માર્ગ પર આસપાસના વિસ્તારમાં પાંચથી વધુ હોસ્પિટલો આવેલી હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને વાહનોની અવરજવર રહે છે. પરંતુ આડેધડ પાર્કિંગ, રસ્તા પર દુકાનો દ્વારા મુકવામાં આવતો માલસામાન અને રિક્ષા, બાઈક તથા ચારચક્રી વાહનોના અનિયમિત ઉભા રાખવાને કારણે માર્ગ ખૂબ જ સંકોચાઈ ગયો છે. પરિણામે અનેક વખત સામાન્ય વાહનચાલકોને પણ પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સૌથી વધુ હાલાકી ઈમર્જન્સી સમયે સર્જાય છે. ગંભીર દર્દીને હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચાડવો જરૂરી હોય ત્યારે ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકે તેવી સ્થિતિ રહેતી નથી. આ પરિસ્થિતિ આરોગ્ય સેવાઓ માટે ચિંતાજનક બની રહી છે. નાગરિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે નિયમિત રીતે ટોઇંગ વાન દ્વારા ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવી શકે. સાથે સાથે રસ્તા પર મુકાતા દુકાનના સામાન અંગે પણ કડક પગલાં લેવાય તેવી જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે.
શહેરના આ મહત્વપૂર્ણ માર્ગ પર ટ્રાફિક મેનેજમેન્ટ માટે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવામાં આવે તો દર્દીઓ, વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી શકે તેવી લોકોમાં આશા છે.



