27.1 C
Gujarat
Monday, September 14, 2026
Home HeadLines મોડાસામાં બ્રાન્ડ પ્રોટેક્શન ટીમ અને SOG દ્વારા ફૂટવેર દુકાનોમાં તપાસ, બિલ અને...

મોડાસામાં બ્રાન્ડ પ્રોટેક્શન ટીમ અને SOG દ્વારા ફૂટવેર દુકાનોમાં તપાસ, બિલ અને સ્ટોકની ચકાસણી હાથ ધરાઈ

0
Ai Genereted Image

મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મોડી રાત્રે બ્રાન્ડ પ્રોટેક્શન ટીમે પોલીસની SOG ટીમની હાજરીમાં કેટલીક ફૂટવેર દુકાનો અને એક ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન વેચાણ માટે ઉપલબ્ધ સ્ટોક અને તેની ખરીદી સંબંધિત બિલ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, કેટલીક બ્રાન્ડના નામે વેચાતા ફૂટવેર અંગે મળેલી માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી. મોડાસા શહેરના મુખ્ય બજારમાં આવેલ બે દુકાનો તેમજ હજીરા વિસ્તારમાં આવેલા ફૂટવેરના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બ્રાન્ડ પ્રોટેક્શન ટીમ અને પોલીસ અધિકારીઓએ સ્ટોકની મૂળભૂતતા અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી હતી. હાલમાં તપાસ પ્રક્રિયા ચાલુ હોવાથી કોઈપણ માલ કોપીરાઇટનો ભંગ કરતો હોવાનું કે નકલી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે. તેથી તપાસ હેઠળ આવેલા વેપારીઓ અથવા સ્થળો અંગે કોઈપણ પ્રકારનો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી.

જો તપાસમાં કોઈ અનિયમિતતા સામે આવશે તો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે તપાસમાં તમામ દસ્તાવેજો યોગ્ય જણાશે તો તે મુજબ પણ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. અહીં પોલિસ તેમજ બ્રાન્ડેડ કંપનીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસને લઇને સવાલો તો ઊભા થાય છે કે,શું બ્રાન્ડેડ કંપનીના શૂઝ પણ ઊંચા ભાવે પધરાવી દેવામાં આવતા હશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!