ભિલોડાના જાયલા ગામ પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, આશાસ્પદ ૨૩ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું
ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાયલા ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે.ટાકાટુકા થી ચિઠોડા ગામ તરફ જતા રોડ પર એક એસ.ટી. બસના ચાલકે બેદરકારીપૂર્વક બસ હંકારી સામેથી આવતી મોટર સાઈકલ જોરદાર ટક્કર મારી હતી.ગંભીર અકસ્માતમાં ૨૩ વર્ષીય બાઈક સવાર યુવકનું માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જાયલા ગામ પાસે રોડ પર અકસ્માત સર્જાયો હતો.એસ.ટી. બસ નંબર. GJ-18-ZT-0016 ના ચાલકે પોતાના કબજાની બસને પૂરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં હંકારી લાવ્યો હતો.
આ સમયકાળ દરમિયાન સામેથી આવી રહેલી ટી.વી.એસ. અપાચી મોટર સાઈકલ નંબર. GJ-31-AE-2908 ને એસ.ટી. બસે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક ચાલક યુવક ચિઠોડા ગામમાં મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવતા રોહિતભાઈ વિનોદભાઈ ડામોર (મુળ રહેવાસી. કુંડોલ-પાલ) (ઉંમર વર્ષ ૨૩, હાલ. રહેવાસી. આંબલી બજાર, ભિલોડા) ને માથાના ભાગે જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.આશાસ્પદ યુવકનું ધટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.આ ઘટના અંગે મૃતક યુવકના પિતા વિનોદભાઈ વિરજીભાઈ ડામોર એ ભિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ (BNS) ની કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કર્યો છે.
ભિલોડા પોલીસ સ્ટેશનના (PSI) ડી.એસ. બારિયા અકસ્માત સંદર્ભે વધુ તપાસ ચલાવી રહ્યા છે.એસ.ટી. બસના ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

