અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ–10 અને ધોરણ–12 (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ની જાહેર પરીક્ષાઓને લઈને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાના કુલ 31,310 પરીક્ષાર્થીઓ માટે 127 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે અને પરીક્ષા કામગીરી માટે કુલ 1,868 અધિકારી-કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.
ધોરણ–10 માટે 21 કેન્દ્રો, 54 બિલ્ડિંગ અને 519 બ્લોકમાં 15,374 વિદ્યાર્થીઓ, ધોરણ–12 સામાન્ય પ્રવાહ માટે 15 કેન્દ્રો, 38 બિલ્ડિંગ અને 385 બ્લોકમાં 11,198 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ–12 વિજ્ઞાન પ્રવાહ માટે 3 કેન્દ્રો, 10 બિલ્ડિંગ અને 88 બ્લોકમાં 1,602 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ કેન્દ્રોમાં ચીફ સુપરવાઈઝર અને સહાયક સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવી છે.
પ્રશ્નપત્રોના વિતરણથી લઈને સંગ્રહ સુધીની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે. સંવેદનશીલ ગણાતા કેન્દ્રો પર ખાસ દેખરેખ રાખવામાં આવશે. પરીક્ષાની નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે 225 પ્રાથમિક વિભાગના આચાર્ય/શિક્ષકોને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે રેમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પરીક્ષા સમયગાળા દરમિયાન જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ સવારે 09:00 થી સાંજે 08:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ઉપરાંત ઝોનલ અને સેક્ટર લેવલે અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે યોજાય તે માટે તમામ જરૂરી આયોજન પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.



