અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સરકાર દ્વારા રોડ બનાવવા તેમજ રીસર્ફેસ માટે લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરતી હોય છે, જોકે સરકારની આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે કે, નહીં, તે તપાસનો વિષય છે. મેઘરજ અને ભિલોડા જેવા અંતરિયાળ વિસ્તારોમાં રોડ રીસર્ફેસની કામગીરી સારી થાય છે કે ખરાબ તે હવે લોકોએ જાગૃત થવું પડશે, નહીંતર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટ બાબુઓના ખિસ્સા ભરાઈ જશે.
મેઘરજ અને ભિલોડા તાલુકામાં પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગની બંન્ને શાખાના નેજા હેઠળ છેલ્લા 3 વર્ષમાં કેટલા રોડ બનાવાયા અને રીસર્ફેસ થયા છે, તેની તપાસ થવી જોઈએ. અહીં કેટલાય રોડ રીસર્ફેસ ના નામે માત્ર જાડું કાર્પેટ પાથરી દેવાયું હશે, અને બિલ પણ પાસ થઈ ગયા હોઈ શકે છે. પણ જે રોડ રીસર્ફેસ થયા અને નવા બન્યા છે, તેની ગુણવત્તા કેવી હતી, તે સ્થળ પર જઈને જાણી શકાય છે. અંતરિયાળ વિસ્તારોમાં બનેલા રોડ કોઈ જોવા જતું નથી અને અધિકારીઓને મોજ પડી જાય છે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. મેઘરજ અને ભિલોડા માર્ગ અને મકાન વિભાગ પંચાયત શાખામાં આવી જ સ્થિતિ છે. અહીંના વિસ્તારોના રીસર્ફેસ રોડ કેવી રીતે થાય છે, તે સૌકોઈ જણે છે. ન કોઈ સ્થળ પર એન્જિનિયર કે સાઈડ સુપરવાઈઝર, આ વચ્ચે રીસર્ફેસ કામગીરી પૂર્ણ કરી દેવાતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ભિલોડા અને મેઘરજ તાલુકા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના છેલ્લા ત્રણ વર્ષના નવીન રોડ અને રીસર્ફેસ ની કામગીરી અંગે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાવવામાં આવે, તો કામની ગુણવત્તા ચકાસી શકાય છે. બાકી, કોઈ બોલતું નથી અને કોઈ બોલશે પણ નહીં અને અધિકારી-કોન્ટ્રાક્ટરની જુગલબંધી મોજમાં રહેશે, તે વાત પણ નક્કી જ છે.



