અરવલ્લી જિલ્લાના શામળાજી યાત્રાધામમાં ૧૫ વર્ષથી વિકાસ કાર્યો અધૂરા રહેતા, વિસ્થાપિતોના પુનર્વસન અને યાત્રાળુઓ માટેની મૂળભૂત સુવિધાઓના અભાવને લઈ તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
શામળાજી ખાતે વર્ષ ૨૦૧૧માં ડિમોલેશન અને ટાઉન પ્લાનિંગની પ્રક્રિયા હાથ ધરાયા બાદ પણ આજે સુધી વિકાસ કાર્યો મર્યાદિત રહેતા કોંગ્રેસે તંત્ર સામે કડક વલણ અપનાવ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે વિકાસના નામે ૧૦૦થી વધુ દુકાનો અને ૨૦૦થી વધુ મકાનો તોડાયા છતાં સંબંધિત પરિવારો અને વેપારીઓનું યોગ્ય પુનર્વસન આજદિન સુધી થયું નથી, જેના કારણે અનેક પરિવારો વર્ષોથી મુશ્કેલીમાં જીવી રહ્યા છે.
કોંગ્રેસે વધુમાં રજૂઆત કરી હતી કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ શામળાજી આવે છે, તેમ છતાં પાર્કિંગ જેવી મૂળભૂત સુવિધાનો અભાવ છે. લાંબા સમયથી ચર્ચાતી રિવરફ્રન્ટ યોજના પણ અમલમાં આવી નથી, જેના કારણે યાત્રાધામના સર્વાંગી વિકાસમાં વિલંબ થઈ રહ્યો છે. શામળાજીને તાલુકાનો દરજ્જો મળ્યા બાદ પણ તાલુકા કક્ષાની સરકારી કચેરીઓ સંપૂર્ણ કાર્યરત ન થતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
આવેદનપત્રમાં ટાઉન પ્લાનિંગ હેઠળ વિસ્થાપિત તમામ પરિવારોનું તાત્કાલિક પુનર્વસન, પેન્ડિંગ ડ્રાફ્ટ ટીપી યોજનાને મંજૂરી, યાત્રાળુઓ માટે પાર્કિંગ, પીવાનું પાણી, સ્વચ્છતા, સુરક્ષા અને આરોગ્ય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રિવરફ્રન્ટ વિકાસ યોજના તાત્કાલિક અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે ચેતવણી આપી હતી કે શામળાજી જેવા ઐતિહાસિક અને રાજ્યસ્તરના મહત્વ ધરાવતા યાત્રાધામના વિકાસને વર્ષોથી અધૂરો રાખવો પ્રજાહિત વિરુદ્ધ છે અને તંત્ર દ્વારા દૃશ્યમાન તથા હકારાત્મક કાર્યવાહી કરવી જરૂરી છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલ, પ્રદેશ પ્રભારી મુકેશભાઇ પરમાર, તાલુકા પ્રમુખ કાંતિભાઇ ખરાડી, વનરાજભાઇ ડામોર, રાહુલભાઇ ગામેતી, રાજેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, હિંમતસિંહ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.



