અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલા નકલી દુધના કારોબાર મુદ્દે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મોડાસા ખાતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં નકલી દુધનો કારોબાર ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યો છે. કેટલાય સામાજિક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક અને સ્પષ્ટ કાર્યવાહી જોવા મળી નથી.
આ મામલે ખાસ કરીને સાબર ડેરી દ્વારા સૂચક મૌન ધારણ કરવામાં આવ્યું હોવું છે. પશુપાલકો અને ગ્રાહકો બંનેના હિતોને અસર કરતી આ ગંભીર બાબતમાં સંબંધિત સંસ્થાઓ અને તંત્રની નિષ્ક્રિયતા લોકોમાં અનેક સવાલો ઉભા કરે છે. જિલ્લાઓમાં નકલી દુધ ઠલવાઈ રહ્યું હોય અને તેનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય, તો આરોગ્ય માટે ઘાતક અને અત્યંત દુઃખદ બાબત છે. ભાજપના નેતાઓ પણ આ મુદ્દે મૌન સાધી રહ્યા હોવાનું જણાવતાં કોંગ્રેસ આગેવાનોએ પ્રશ્ન ઉઠાવ્યો કે, શું આ મુદ્દે રાજકીય દબાણ હેઠળ સત્ય દબાવાઈ રહ્યું છે? કોંગ્રેસ દ્વારા આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવાની, દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની તથા નકલી દૂધના કારોબારને તાત્કાલિક બંધ કરાવવાની જોરદાર માંગ કરવામાં આવી છે.
થોડા સમય પહેલા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાંથી નકલી દુધ બનાવતી ફેક્ટરીનો પોલિસે પર્દાફાશ કર્યો હતો, જોકે આ દુધ ક્યાં પહોંચાડાતું હતું, કોને સપ્લાય કરાતું હતું, તે પણ હજુ પોલિસ શોધી શકી નથી. સાબરકાંઠા જિલ્લામાંથી દુધનો સપ્લાય અરવલ્લી જિલ્લામાં પણ થતો હતો, તેમ છતાં સ્થાનિક પોલિસને હજુ કોઈ સોર્સ ન મળતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે તો દુધ પણ નકલી આવતા, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના ભાગીદારો તમામ તપાસ એજન્સીઓ બની રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.



