(મેરા ગુજરાત-લુણાવાડા)
મહીસાગર જિલ્લામાં ધૂળેટીના પર્વની ઉજવણી શોકના પર્વમા જાણે ફેરવાઈ ગઈ હતી. કોઠંબા તાલુકાના રાઘવના મુવાડા ગામે આવેલા નાકા તળાવમાં ન્હાવા પડેલા કંતાર ગામના ચાર યુવાનોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં બે સગા ભાઈઓએ પણ જીવ ગુમાવતા કંતાર ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કંતાર ગામના ચાર મિત્રો ધૂળેટીના પર્વની ઉજવણી કરી કર્યા પછી મિત્રો સાથે રંગોથી રમ્યા બાદ સ્નાન કરવા માટે કોઠંબા તાલુકાના રાઘવના મુવાડા નાકા તળાવ ખાતે ગયા હતા. યુવાનો તળાવના પાણીમાં ઉતર્યા હતા, પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા ચારેય યુવકો એકાએક ડૂબવા લાગ્યા હતા.સ્થાનિકોને ઘટનાની જાણ થતા જ તેઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. જોકે, સ્થાનિકો કંઈ કરી શકે તે પહેલા જ ચારેય યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહોને પાણીની બહાર કાઢવામાં આવતા રોકકળનુ વાતાવરણ છવાઈ ગયુ હતુ.બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મરણ જનારામા અમિતકુમાર બારિયા, તુષાર કુમાર બારિયા, જયેશ ભાઈ બારિયા, વિપુલ કુમાર બારિયાનો સમાવેશ થાય છે.મૃતક યુવાનોમાં જયેશ અને વિપુલ નામના બે સગા ભાઈઓનો પણ સમાવેશ હતો. પોતાના વ્હાલસોયા દિકરાઓ ગુમાવતા પરિવાર પર આભ તુટી પડ્યુ હતુ.ધુળેટી પર્વની ખુશીઓ પળભરમાં શોકમાં ફેરવાઈ ગઈ હતી. એકસાથે ચાર આશાસ્પદ યુવાનોના મોતથી સમગ્ર મહીસાગર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.



