મોડાસા: અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે મોડાસા સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ સંગઠનલક્ષી બેઠક યોજાઈ હતી. આ બેઠક અરવલ્લી જિલ્લા પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ નિશ્ચલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનને વધુ મજબૂત બનાવવું, યુવાનોને કોંગ્રેસ સાથે જોડવા તેમજ આગામી સમયમાં યોજાનારા આંદોલનાત્મક કાર્યક્રમોની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા
બેઠક દરમિયાન યુથ કોંગ્રેસના આગેવાનોએ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની કાર્યપદ્ધતિની આકરી ટીકા કરી હતી. ચર્ચા દરમિયાન જણાવાયું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબીને અસર પહોંચે તેવા મુદ્દાઓને લઈને દેશના નેતૃત્વ પર પ્રશ્નો ઉભા થયા છે. “એપ્સટિન ફાઇલ્સ” જેવા મુદ્દાઓને લઈને ભારતના રાજકીય નેતૃત્વની છબી અંગે ચર્ચા થતા દેશની પ્રતિષ્ઠાને નુકસાન થતું હોવાનું જણાવાયું.
યુથ કોંગ્રેસના આગેવાનોનું માનવું છે કે વર્તમાન સમયમાં ભારતની વિદેશ નીતિ મજબૂત અને સ્વતંત્ર હોવી જોઈએ. ભારત જેવા સાર્વભૌમ દેશે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા નીતિ બાબતે કોઈપણ દેશની મંજૂરી પર આધાર રાખવો પડે તે ચિંતાજનક બાબત છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી બાબતે અમેરિકાની મંજૂરી પર આધાર રાખવાની સ્થિતિ દેશની અસ્મિતા સાથે સંકળાયેલો મુદ્દો હોવાનું બેઠકમાં જણાવાયું.
દિલ્હી ખાતે ‘સાંસદ ઘેરાવ’ કાર્યક્રમ
ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદયભાનુ ચીબના નેતૃત્વમાં આગામી દિવસોમાં દિલ્હીમાં “સાંસદ ઘેરાવ” કાર્યક્રમ યોજાશે તેવી માહિતી બેઠકમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરના યુવા કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ભાગ લેશે. અરવલ્લી જિલ્લાથી પણ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી મુદ્દે આંદોલનની તૈયારી
બેઠક દરમિયાન રાજ્ય સરકારની નીતિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા લગભગ ત્રણ દાયકાથી રાજ્યમાં ભાજપ સરકાર હોવા છતાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારના ક્ષેત્રમાં અપેક્ષિત વિકાસ ન થયો હોવાનો આરોપ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્યમાં નકલી કચેરીઓ અને નકલી અધિકારીઓના કૌભાંડો સામે આવતા જનતામાં અસંતોષ વધ્યો હોવાનું પણ જણાવાયું. અરવલ્લી જિલ્લામાં પણ વિવિધ સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો વધી રહી હોવાનું જણાવતા યુથ કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં જિલ્લા સ્તરે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.
મોડાસામાં યુનિવર્સિટી અને યુવાનોના પ્રશ્નો
બેઠકમાં મોડાસા ખાતે યુનિવર્સિટી સ્થાપના, યુવાનો માટે રોજગારના અવસરો, તેમજ જિલ્લા વિકાસ સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. યુવાનોને યોગ્ય શિક્ષણ અને રોજગારી મળી રહે તે માટે યુથ કોંગ્રેસ જનતા વચ્ચે જઈને અભિયાન ચલાવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકના અંતે અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના “નકલી વિકાસ”ના દાવાઓને જનતા સમક્ષ ઉજાગર કરવા અને જિલ્લા સ્તરે ભ્રષ્ટાચાર, બેરોજગારી અને શિક્ષણના મુદ્દાઓને લઈને વ્યાપક જનઆંદોલન ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



