હોળી-ધુળેટી નિમિત્તે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત કાર્યકરો ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો
મોડાસા/ભિલોડા:
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં આંતરિક ગાબડું પડતું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં કોંગ્રેસમાં સુધારો થવાને બદલે પક્ષ છોડીને અન્ય પક્ષમાં જોડાવાનો સિલસિલો શરૂ થયો હોય તેવું રાજકીય પરિસ્થિતિમાંથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ભિલોડા તાલુકામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં 200થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે નવા ભવનાથ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર પરિસર નજીક નટરાજ પાર્ટી પ્લોટ ખાતે ભિલોડા વિધાનસભા વિસ્તારના હોળી-ધુળેટીના પવિત્ર પર્વ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા.
ભિલોડા તાલુકાની કુંડોલ-પાલ બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય રાજેશ્વરીબેન કે. ચંપાવત, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ બલભદ્રસિંહ વી. ચંપાવત (એડવોકેટ-નોટરી), ખુમાપુર-ચિબોડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન રોત, ડેપ્યુટી સરપંચ કર્ણવીરસિંહ બી. ચંપાવત, નટુભાઈ પરમાર, રમેશભાઈ ભગોરા, રૂપસિંહભાઈ ભગોરા, રણછોડભાઈ વણકર, મહેન્દ્રગીરી ગૌસ્વામી સહિત આશરે 200થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી અને ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા, અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મંત્રી સંજયભાઈ દેસાઈ, પૂર્વ પ્રભારી મંત્રી રાજેન્દ્રભાઈ શુકલ, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, મહામંત્રી શૈલેષભાઈ કોટવાલ, શંભુભાઈ ઠાકોર, ડો. રાકેશકુમાર બોડાત, અમૃતભાઈ નિનામા, નટુભાઈ ગામેતી સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
ઉપરાંત સાબર ડેરીના ડિરેક્ટર કાંતીલાલ પટેલ, સાબરકાંઠા બેંકના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણવીરસિંહ ડાભી, ભિલોડા સહકારી જીનના ચેરમેન હિતેન્દ્રસિંહ સિસોદિયા, અરવલ્લી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નીલાબેન મડિયા, જિલ્લા પંચાયત સદસ્ય રસીકાબેન ખરાડી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઈન્દ્રજીતસિંહ રાઠોડ, બિપીનભાઈ પટેલ, રાજેશભાઈ નિનામા, કાનજીભાઈ ઠાકોર, રતીલાલ મેણાત અને ભવાનભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



