DE ની કામગીરી સારી હોવાથી એક્સચેન્જ મગ નું નામ મરી પાડવા તૈયાર નથી કે શું?
મેઘરજ તાલુકામાં જે રોડ બને છે તે, નિયમ મુજબ બનાવાયા કે પછી !!!
માપમાં ગડબડ કરીને રોડ બનાવવા અને રીસર્ફેસ કરવા તેવું તો નથી ને ?
મેઘરજ ડીઈ ની કામગીરીને લઇને હવે ફોરેનમાં પોસ્ટિંગની ચર્ચા
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય માર્ગોના કામકાજને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. જિલ્લા પંચાયત હસ્તકના માર્ગોમાં ખાસ કરીને મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકામાં કામોની ગુણવત્તા અંગે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ રકમ ખરેખર રસ્તાઓ પર વપરાય છે કે કાગળોમાં જ ખતમ થઈ જાય છે – તે અંગે ચર્ચાઓ ગરમાઈ રહી છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે અનેક ગામડાઓને જોડતા રસ્તાઓમાં કામ તો થાય છે, પરંતુ થોડા જ સમયમાં રસ્તાની હાલત ફરી ખરાબ થઈ જાય છે. જેના કારણે લોકોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે આખરે આ ગ્રાન્ટ ક્યાં જાય છે?
તાજેતરમાં મેઘરજ તાલુકાના લીંભોઈથી મોટી મોયડી સુધીનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. રોડ બન્યા બાદ થોડા જ સમયમાં તેની ગુણવત્તા અંગે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનો આરોપ છે કે કામમાં નીચી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું છે અને રોડ ટકાઉ રહે તે માટે જરૂરી તકનીકી ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી. સ્થાનિકોએ રોડના કામની હકીકત સામે લાવતા જાણે ભાંડો ફૂટી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાની નબળી ગુણવત્તાના ફોટા અને વિડિઓ પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.
આ વચ્ચે એક વ્યંગાત્મક પ્રશ્ન પણ લોકો પૂછતા જોવા મળે છે – “અરવલ્લી જિલ્લા પંચાયતના એક્સચેન્જને આ બાબતોમાં રસ જ નથી કે શું?” કારણ કે અનેકવાર ફરિયાદો છતાં યોગ્ય તપાસ કે કાર્યવાહી થતી નથી એવી પણ ચર્ચા છે. મેઘરજ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના ડેપ્યુટી ઈજનેર અંગે પણ સ્થાનિકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે કોઈ ‘જુગલબંધી’ તો નથી ને? જોકે આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
જો આ આક્ષેપોમાં સત્યતા હોય તો ગ્રામ્ય વિકાસ માટે ફાળવાતી સરકારી ગ્રાન્ટનો હેતુ અધૂરો રહી જાય તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે જિલ્લા પંચાયત તંત્ર આ મામલે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરે છે કે પછી ગ્રામ્ય રસ્તાઓની હાલત અંગે ઉઠેલા પ્રશ્નો ફક્ત ચર્ચાઓમાં જ સીમિત રહી જાય છે. એક્સ્ચેન્જ સાહેબ વાંચીને હસવા કરતા, ડીઈની કામગીરીની સમિક્ષા કરો, નહીંતર, જનતાને આગામી 75 વર્ષ સુધી પણ રસ્તાની મગજમારી રહશે, તે વાત નક્કી જ છે.



