રાજ્યમાં રાંધણ ગેસ (LPG) અને ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સરકારની પ્રાથમિકતા સ્પષ્ટ કરી છે. તેમણે ખાતરી આપી છે કે સામાન્ય જનતાના રસોડા પર કોઈ અસર ન પડે તે માટે સરકારે આયોજનબદ્ધ રીતે ગેસના વિતરણમાં ફેરફાર કર્યો છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા ઘરગથ્થુ ગેસ સિલિન્ડર છે. દરેક ઘરમાં ગેસનો પુરવઠો સમયસર પહોંચતો રહે અને ગૃહિણીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે. ઘરેલું વપરાશ માટેના ગેસ સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી.
ઉદ્યોગો પર 50 ટકાનો ઘટાડો
વૈશ્વિક પરિસ્થિતિ અને મર્યાદિત જથ્થાને પહોંચી વળવા માટે સરકારે ઔદ્યોગિક એકમો (Industrial Units) માટે કડક નિર્ણય લીધો છે. ઉદ્યોગોને અપાતા ગેસના પુરવઠામાં 50 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાપારી એકમો માટેના ગેસ પુરવઠામાં કોઈ જ કાપ મૂકવામાં આવ્યો નથી, જેથી ખાણી-પીણીના બજાર પર અસર ન પડે.
મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ભૂરાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની અનિશ્ચિતતાને જોતા, રાજ્યમાં ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે આ ‘પ્રી-પ્લાનિંગ’ કરવામાં આવ્યું છે. ઉદ્યોગોમાં કાપ મૂકીને તે જથ્થો સામાન્ય નાગરિકોની સુવિધા માટે ડાયવર્ટ કરવામાં આવ્યો છે.



