EMT હિતેન્દ્રભાઈ પંચાલની કુશળતા અને ડોક્ટરની ટેલિફોનિક સલાહથી જોખમી સ્થિતિમાં સફળ ડિલિવરી, CHC બાયડમાં માતા અને નવજાતની તબિયત સ્થિર
બાયડ, તા. 12 જુલાઈ: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા, કુશળતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી હતી. નવજાત બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવા છતાં ટીમની સતર્કતા અને કુશળતાના કારણે માતા અને બાળક બંને સુરક્ષિત રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે 5:02 વાગ્યે ગાબટ ગામમાંથી 108 કંટ્રોલ રૂમમાં પ્રસૂતિ પીડાથી પીડાતી ગર્ભવતી મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સની જરૂર હોવાનું કોલ મળ્યો હતો. કોલ મળતાં જ નજીકમાં આવેલી બાયડ 108 એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
તે સમયે એમ્બ્યુલન્સમાં EMT હિતેન્દ્રભાઈ પંચાલ અને પાયલોટ તખતસિંહ ફરજ પર હતા. ટીમ ગાબટ ગામે પહોંચી ત્યારે મહિલાને પ્રસૂતિનો દુઃખાવો અત્યંત વધી ગયો હતો. દર્દીની તપાસ બાદ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસૂતિ કરાવવી જરૂરી હોવાનું જણાતા EMT હિતેન્દ્રભાઈ પંચાલે ડૉ. મંથનની ટેલિફોનિક સલાહ હેઠળ એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી.
પ્રસૂતિ દરમિયાન નવજાત બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવાથી સ્થિતિ જોખમી બની હતી. જોકે EMT હિતેન્દ્રભાઈ પંચાલના અનુભવ અને કુશળતાના કારણે બાળકને સુરક્ષિત રીતે જન્મ અપાવવામાં સફળતા મળી હતી. જન્મેલા બાળકનું વજન અંદાજે 2.4 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રસૂતિ બાદ માતાને જરૂરી ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર આપી બંનેને વધુ સારવાર માટે CHC બાયડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને નવજાત બાળક બંનેની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
આ સફળ કામગીરી બદલ દર્દીના પરિવારજનોએ તેમજ હોસ્પિટલના તબીબોએ 108 એમ્બ્યુલન્સના EMT હિતેન્દ્રભાઈ પંચાલ અને પાયલોટ તખતસિંહની કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.






