અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા નજીક સાબરમતી CNG પંપ પાછળ આવેલા જંગલ વિસ્તારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટના બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, મોડાસાના સાબરમતી CNG પંપ પાછળ આવેલા જંગલ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાવાની ભીતિ વચ્ચે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ત્રણ વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જંગલ વિસ્તાર પાસે જ CNG પંપ આવેલો હોવાથી સુરક્ષાના કારણોસર પંપને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો.
આગની ઘટના દરમિયાન CNG પંપ પર કામ કરતા કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. આગ કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, આખરે મહેનત રંગ લાવી હતી.
ચોંકાવનારી બાબત એ છે કે જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના છતાં શરૂઆતમાં વન વિભાગ આ મામલે અજાણ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ વન વિભાગના કેટલાક કર્મચારીઓ મોડા પહોંચ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે સ્થાનિક સ્તરે ચર્ચા એ પણ ચાલી રહી છે કે ક્યાંક વાવેતરની કામગીરી સંબંધિત પુરાવાઓ નષ્ટ કરવા માટે આગ લગાવવામાં આવી હોય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
હાલમાં આગ કાબૂમાં લેવા માટે કામગીરી ચાલી રહી છે અને આગ લાગવાનું વાસ્તવિક કારણ શું છે તે અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થવાની સંભાવના છે.



