મોડાસા: રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ટર્મ પૂર્ણ થતી જતાં હવે વહીવટદારોની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આ પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ટર્મ પૂર્ણ થવાના કારણે વહીવટી વ્યવસ્થા માટે અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવી રહ્યો છે.
મોડાસા નગરપાલિકાની ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકે મોડાસાના પ્રાંત અધિકારીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. આગામી સમયમાં નવી ચૂંટણી યોજાય ત્યાં સુધી નગરપાલિકાનો વહીવટ હવે પ્રાંત અધિકારીના હસ્તક રહેશે.
મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીરજ શેઠે અંદાજે અઢી વર્ષ સુધી પદ સંભાળ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. શહેરના રસ્તા, સફાઈ તેમજ અન્ય સુવિધાઓને લઈને વિવિધ કામો કરવામાં આવ્યા હતા. સૌથી મોટો પ્રોજેક્ટ એવો રીવર પાર્કનું ઘણા લાંબા સમયથી નગરજનો રાહ જોઈ રહ્યા હતા તેનું પણ ખાતમુહૂર્ત પ્રમુખ નીરજ શેઠના કાર્યકાળમાં કરવામાં આવ્યું હતું
હવે ટર્મ પૂર્ણ થતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કાર્યકાળ સમાપ્ત થયો છે અને વહીવટી જવાબદારી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે અરવલ્લી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ટર્મ પણ 17 તારીખે પૂર્ણ થવા જઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ત્યાં પણ વહીવટદારોની નિમણૂક થવાની શક્યતા છે. આ રીતે હાલ માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો વહીવટ અધિકારીઓના હસ્તક જ રહેશે અને આગામી ચૂંટણી બાદ નવી બોડી રચાશે.



