કોટેશ્વર ખાતેની ‘મધુરમિલન આવાસ યોજના’માં ઔડાની ટીમો દ્વારા આકસ્મિક તપાસ: શરતોનો ભંગ કરી ભાડે આપેલા મકાનો સીલ કરવાની તજવીજ
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા EWS યોજના હેઠળ ગાંધીનગર જિલ્લાના મોજે-કોટેશ્વર ખાતે ‘મધુરમિલન આવાસ યોજના’નું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ડ્રો પદ્ધતિ દ્વારા આ યોજનાના કુલ ૨૬૬ યુનિટની ફાળવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના વિકસિત વિસ્તારમાં આવેલી આ આવાસ યોજના લિફ્ટ, સીસીટીવી કેમેરા, ગાર્ડન અને સોલાર જેવી અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મોટેરાની નજીક હોવાને કારણે આ વિસ્તાર ખૂબ જ ઝડપી વિકાસ પામી રહ્યો છે.
આ આવાસ યોજનામાં મકાનોની ફાળવણી બાદ કેટલાક આવાસધારકોએ શરતોનો ભંગ કરી મકાનો ભાડે આપી દીધા હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું. આ સંદર્ભે, ઔડાના મુખ્ય કારોબારી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ તપાસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.
૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી મધુરમિલન આવાસના કુલ ૮ બ્લોકના ૨૬૬ મકાનોની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કુલ ૩૩ મકાનો ભાડે આપેલા હોવાનું માલૂમ પડ્યું હતું. ઔડાની તપાસણી ટીમ દ્વારા આ તમામ ૩૩ આવાસધારકોને મકાન ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. મકાનો ખાલી થયા બાદ આ આવાસોને સીલ કરવાની આગળની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આગામી સમયમાં પણ ઔડા દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ રાહત દરે ફાળવવામાં આવેલા આવાસોમાં આ પ્રકારે આકસ્મિક તપાસ કરવામાં આવશે. ગેરકાયદેસર રીતે રહેતા અને આવાસ ફાળવણીની શરતોનો ભંગ કરનારાઓ સામે સત્તામંડળ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ જનસંપર્ક અધિકારી, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની અખબારી યાદીમાં જણાવાયું છે.



