શ્રી એચ. એસ. શાહ કોલેજ ઓફ કોમર્સ અને શ્રિમતી વી. વી. શાહ એમ.એસસી. (સીએ એન્ડ આઈટી) કોલેજ, મોડાસા ખાતે વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ તથા નશીલા પદાર્થો અંગે જાગૃતિ લાવવા માટે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોમર્સ કોલેજ તથા એમ.એસસી. (સીએ એન્ડ આઈટી) કોલેજના આચાર્યશ્રીઓના માર્ગદર્શન હેઠળ તથા અરવલ્લી જિલ્લા પોલીસના સહયોગથી યોજાયો હતો.
કાર્યક્રમમાં બંને કોલેજોના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનથી થતા નુકસાન તેમજ તેનાથી સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃત કરવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કોમર્સ કોલેજના કા.આચાર્ય ડૉ. ગોપાલ વણકર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત મહાનુભાવો, પોલીસ અધિકારીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી કાર્યક્રમના હેતુ અંગે પ્રાસંગિક વાત કરી હતી.
આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સ તથા નશીલા પદાર્થો અંગેની કાયદાકીય સમજ અને કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોથી દૂર રહેવા તથા કાયદાનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમજ ડૉ. કેયા પ્રજાપતિ, મનોચિકિત્સક દ્વારા ડ્રગ્સના સેવનથી થતા શારીરિક, માનસિક તથા સામાજિક નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને નશાની લતથી બચવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે જાગૃત કર્યા હતા.
એમ.એસસી. (સીએ એન્ડ આઈટી) કોલેજના પ્રભારી મંત્રી પરેશ શાહ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમના હેતુ અને મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી તથા નશાથી દૂર રહીને સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર પી. બી. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. એચ. રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિરોધી જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ભાવેશ દુધાત દ્વારા વિદ્યાર્થીઓને “Say No to Drugs” ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન પ્રધ્યાપક ડૉ. કમલેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે એમ.એસસી. (સીએ એન્ડ આઈટી) કોલેજના કા. આચાર્ય ડૉ. અર્પિત જોષી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા બદલ અરવલ્લી જિલ્લા પોલીસ વિભાગ, ઉપસ્થિત મહાનુભાવો, બંને કોલેજોના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્ર વી. શાહ તથા કોમર્સ કોલેજના પ્રભારી મંત્રી જયેશભાઈ દોશી દ્વારા કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.





