સાબરકાંઠામાં કરાર આધારિત બટાકા પકવતા ખેડૂતોની કંપનીઓ સામેની લડત વધુ ઉગ્ર બની છે.30 દિવસ કરતા વધુ સમયથી ચાલી રહેલી લડત વચ્ચે હવે કંપનીઓ દ્વારા ખેડૂતોના ઘરે પહોંચાડાતા બિયારણનો પણ વિરોધ શરૂ થયો છે.ગઢોડા ગામે યોજાયેલી બેઠકમાં ખેડૂતો એકજૂથ થઈ માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી બટાકાનું વાવેતર નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં કરાર આધારિત બટાકા પકવતા ખેડૂતો છેલ્લા 30 દિવસ કરતાં વધુ સમયથી કંપનીઓ સામે પોતાની માગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે.જોકે ખેડૂતોની કંપનીઓ દ્વારા એક પણ મુખ્ય માગ અંગે સમાધાન કરવામાં આવ્યું નથી.આ વચ્ચે કંપનીઓ દ્વારા કેટલાક ખેડૂતોના ઘરે બટાકાનું બિયારણ પહોંચાડવામાં આવી રહ્યું છે જેને લઈને હવે ખેડૂતોએ પણ સક્રિયતા વધારી છે. જે ખેડૂતોના ઘરે કંપનીઓ દ્વારા બિયારણ પહોંચાડવામાં આવે છે ત્યાં અન્ય ખેડૂતો પહોંચી સમજાવટ કરી રહ્યા છે કે જ્યાં સુધી ખેડૂતોની માગણીઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બટાકાનું વાવેતર કરવામાં ન આવે.આજે હિંમતનગર તાલુકાના પ્રતાપપુરા ગામે પણ કંપની દ્વારા એક ખેડૂતના ઘરે બિયારણ ઉતારવામાં આવ્યું હતું. આ અંગે જાણ થતાં આસપાસના ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા અને સંબંધિત ખેડૂત સાથે સમજાવટ કરી હતી. સમજાવટ બાદ બિયારણ પરત મોકલવામાં આવ્યું હતું.
પ્રતાપપુરા ગામે બનેલી ઘટનાને પગલે સમગ્ર મુદ્દે આજે હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે તાત્કાલિક ધોરણે જિલ્લાના ખેડૂત પ્રતિનિધિઓની બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં અલગ અલગ વિસ્તારોના ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં કંપનીઓ દ્વારા ખેડૂતોના ઘરે બિયારણ પહોંચાડવામાં આવે ત્યારે સ્થાનિક ખેડૂતોની ટીમો ત્યાં પહોંચી સંબંધિત ખેડૂત સાથે સમજાવટ કરે તે માટે અલગ અલગ ઝોન પ્રમાણે ટીમો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સાથે જ બેઠકમાં તમામ ખેડૂતોએ એકજૂથ રહી જ્યાં સુધી તેમની મુખ્ય માગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી કરાર આધારિત બટાકાનું વાવેતર નહીં કરવાનો નિર્ણય કર્યો છે.ખેડૂતોનું કહેવું છે કે હાલની વધતી જતી મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચ વચ્ચે કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવતો ભાવ ખેડૂતોને પરવડે તેમ નથી.
ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ બટાકાના વાવેતરમાં ખર્ચ સતત વધી રહ્યો છે. ત્યારે પ્રતિ 20 કિલો બટાકાનો 300 રૂપિયાથી વધુ ભાવ મળે તો જ ખેડૂતોને હાલના ખર્ચની સરખામણીએ વાવેતર પરવડે તેમ છે.ખેડૂતોની મુખ્ય માગણીઓમાં પ્રતિ 20 કિલો 300 રૂપિયાથી વધુ ભાવ, બટાકાની ઉપજમાં થતી વજનની કપાત બંધ કરવી, લોડિંગ અને અનલોડિંગનો ખર્ચ કંપનીઓ દ્વારા ભોગવવો તથા બ્રાઉન સ્પોટના નામે થતી કપાત બંધ કરવી જેવી માગણીઓનો સમાવેશ થાય છે.જ્યાં સુધી આ મુખ્ય માગણીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એકજૂથ રહી કરાર આધારિત બટાકાનું વાવેતર નહીં કરવાનો નિર્ણય ખેડૂતો દ્વારા લેવામાં આવ્યો છે.સાથે જ રવિ સિઝનમાં બટાકાના બદલે અન્ય રવિ પાકોનું વાવેતર કરવાની પણ તૈયારી ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવી છે.આ સમગ્ર મુદ્દે આગામી દિવસોમાં ખેડૂતોની લડત વધુ ઉગ્ર બને તેવા સંકેતો પણ મળી રહ્યા છે.





