અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં વિકાસના માત્ર મોટા-મોટા દાવાઓ જ થતા હોવાની વધુ એક પોલ હવે ધીમે મીમે ખુલી રહી છે.ભિલોડાથી નારણપુર અને નારસોલીને જોડતા અત્યંત મહત્ત્વના હાર્દસમા માર્ગનું કામ છેલ્લા એક મહિનાથી ગોકળગતિએ ચાલી રહ્યું છે. અંદાજે રૂ. ૮૦ લાખના માતબર ખર્ચે મંજૂર થયેલા ૬૫૦ મીટર લાંબા અને ૭ મીટર પહોળા આ રોડની નબળી અને ઘોર બેદરકારીભરી કામગીરીને લઈને સ્થાનિક ખેડૂતો, વેપારીઓ, રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મૌન મિલીભગત?
સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ વહીવટી તંત્રના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, બેજવાબદાર કોન્ટ્રાક્ટરની મિલીભગત કે, બેદરકારીના કારણે નિર્દોષ પ્રજાજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.રોડનું કામકાજ સમયસર અને નિયમો અનુસાર થાય તે જોવાની જવાબદારી જેઓની છે, તે જ સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે, જેના કારણે સામાન્ય નિર્દોષ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
જીવલેણ અકસ્માતોનું જોખમ
રોડની અધૂરી અને કાચી કામગીરીના કારણે વાહનો અવરજવર કરતી વખતે ભારે ધૂળ ઉડે છે, જેથી આસપાસના વેપારીઓની દુકાનોમાં માલસામાન બગડી રહ્યો છે. તો બીજી તરફ, હાલ ખેતીની સિઝન હોવાથી ખેડૂતોને પોતાના પાક, ખાતર અને બિયારણની હેરાફેરી માટે ટ્રેક્ટરો લઈ જવા મુશ્કેલ બન્યા છે.માર્ગ પર પડેલા મોટા ખાડાઓ અને કાંકરીના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
ત્રાહિમામ લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
લાપરવાહ તંત્ર અને નેતાઓની ઘોર ઉદાસીનતા સામે સ્થાનિક પ્રજાજનોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જો વહેલી તકે આ માર્ગનું કામ ગુણવત્તાસભર અને પૂરઝડપે નવરાત્રી પહેલા પૂર્ણ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં જાગૃત સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.





