જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે પણ માથે ગરબો ધારણ કરી માતાજીની આરાધના કરી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સિસોદરા ગામે આવેલા મેઘાઈમાતા મંદિરે નવરાત્રિ દરમિયાન પ્રાચીન ગરબાની પરંપરાના દર્શન થયા હતા. અહીં માતાજીની અનોખી ભક્તિ સાથે ભક્તોએ માથે ૫૧ માટીના કલાત્મક ગરબા ધારણ કરી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.સિસોદરા ગામે યોજાયેલા આ ધાર્મિક આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર પણ જોડાયા હતા. તેમણે માથે ગરબો ધારણ કરીને ગરબે ઘૂમી માતાજીની ભક્તિ કરી હતી. આ પ્રસંગે ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો
સિસોદરા ગામમાં સતત ચોથા વર્ષે માથે ગરબી ધારણ કરીને ગરબે રમવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન ધાર્મિક પરંપરાઓ અને લોકસંસ્કૃતિ જીવંત છે, તેનું ઉદાહરણ સિસોદરા ગામે જોવા મળ્યું હતું.નવરાત્રિના પર્વમાં મેઘાઈમાતા મંદિરે યોજાતી આ પરંપરા દ્વારા માતાજી પ્રત્યેની શ્રદ્ધા સાથે ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાગત ગરબાની આગવી ઓળખ પણ જળવાઈ રહી છે.





