ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવતા જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ખાતે આજે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા મંત્રી પી.સી. બરંડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા
રેલ્લાવાડા ગામમાં યોજાયેલ મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી લાભાર્થી મહિલાઓએ ભાગ લીધો હતો, જેઓ ગુજરાત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી રહી છે. આ મહિલાઓએ પોતાના અનુભવો અને પ્રતિભાવો વ્યક્ત કરીને સરકારી યોજનાઓથી તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન વિશે વાત કરી હતી. તેમણે આર્થિક સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારની દિશામાં મળેલી સહાયને વખાણી હતી.
મંત્રી પી.સી. બરંડાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકાર મહિલાઓને સમાજના મજબૂત સ્તંભ તરીકે જુએ છે. આર્થિક સ્વાવલંબન, કૌશલ્ય વિકાસ, આરોગ્ય સેવાઓ અને શિક્ષણના ક્ષેત્રે મહિલાઓને આગળ વધારવા માટે વિવિધ કાર્યક્રમો ચાલુ છે. તેમણે મહિલાઓને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને પોતાના વિકાસમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. મંત્રી ભારપૂર્વક જણાવ્યું કે જનજાતિય સમુદાયના ગૌરવ અને સન્માનને જાળવી રાખવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને બિરસા મુંડાના આદર્શોને અનુસરીને આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરી રહી છે.
આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર, વિવિધ પદાધિકારીઓ,વિભાગીય અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.સંમેલનમાં મહિલાઓના પ્રતિભાવો અને મંત્રીના માર્ગદર્શનથી કાર્યક્રમને વધુ અર્થપૂર્ણ બનાવ્યો હતો. આ પ્રકારના સંમેલનો આદિવાસી મહિલાઓને સરકારી યોજનાઓ વિશે જાગૃત કરવા અને તેમના અધિકારો તથા તકો વિશે માહિતગાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત આયોજિત આ મહિલા સંમેલન આદિવાસી સમાજમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક-આર્થિક વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.





