અંકિત ચૌહાણ/જય અમીન
શ્રમિકો પાસે કેટલું કામ કરાવવું અને કેટલું કામ કરી શકે તે માટે નીતિ નિયમો નક્કી હોય છે. આ માટે કેટલાક વિભાગો કાર્યરત હોય છે. અરવલ્લી જિલ્લામાં પણ શ્રમ વિભાગ કાર્યરત છે, જે શ્રમિકોના હિત માટે કામ કરતું હોય છે. છેલ્લા બે દિવસથી મોડાસા જીઆઇડીસીમાં આવેલી બેકવેલ નામની બિસ્કીટ બનાવતી કંપનીમાં શ્રમિકો સાથે થતા અન્યાયને લઈને મોડી રાત્રીથી વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. સોમવારના દિવસે વહેલી સવારે તમામ શ્રમિકોએ કંપનીના આપખુદશાહી વલણ અને નિયમોથી કંટાળીને બાંયો ચઢાવી હડતાળ યોજી હતી.
શ્રમિકોનું કહેવું હતું કે, કંપની દ્વારા ખોટી રીતે તેઓના પગારમાંથી પૈસા કાપી લેવામાં આવે છે. સાથે જ યોગ્ય સુવિધાઓ આપવામાં આવતી નથી. તો બીજી બાજુ શ્રમિકો પાસે 12 કલાક જેટલું કામ કરાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લા શ્રમ વિભાગ કંપની સામે જાણે ઘૂંટણીય હોય તેવું જોવા મળી રહ્યું છે. ભારે વિરોધ પ્રદર્શન થતા શ્રમિકોના આગેવાનો અને કંપનીના સંચાલકોને શ્રમ વિભાગ એ કચેરી ખાતે બોલાવ્યા હતા અને હાલ મધ્યસ્થી કરાવી હોવાની વિગતો મળી છે. જોકે અરવલ્લી જિલ્લા શ્રમ વિભાગની કામગીરી ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે.
શું અરવલ્લી જિલ્લા શ્રમ વિભાગ કંપનીઓ સામે નત મસ્તક છે?
શ્રમ વિભાગ કેટલા સમયે કેટલી વાર તપાસ કરતું હશે?
કલાકો સુધી કામ કરાવતા હોય તો શ્રમ વિભાગની તપાસમાં સામે કેમ ન આવ્યું?
શ્રમિકો માટે લડત ચલાવતા આગેવાન ડી. આર. જાદવે જણાવ્યું કે, હાલ બેકવેલ કંપનીમાં કામ કરતા શ્રમિકો અને રાહત મળી છે અને આઠ કલાક કામ કરવા માટેની બાહ્યદરી આપવામાં આવી છે. હવે સવાલ અરવલ્લી જિલ્લા શ્રમ વિભાગ પર સવાલો થાય છે, કે, અહીં તો કંપનીઓ સાથે કંઈ તો રંધાતું હશે!!






