અરવલ્લી જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોવામાં આવી હતી, જે પૂર્ણ થઈ. જો કે અચાનક ગુરૂવારના દિવસે બપોરના આરસામાં વાતાવરણમાં પલટો આવ્યો અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા શહેરમાં પણ વરસાદી માહોલ જામતા ફરીથી મોડાસા નગરપાલિકાની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા. મોડાસા શહેરમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે નગરપાલિકાના વરસાદી પાણીના નિકાલના દાવાઓની પોલ ખોલી દીધી છે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી ચર્ચામાં રહેતું મહાલક્ષ્મી ટાઉનહૉલ વિસ્તાર, કે જ્યાં આ વર્ષે પણ જળબંબાકાર બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દર વર્ષે આ સ્થળે પાણી ભરાતું હોવાથી મોડાસા નગરપાલિકાએ આશરે 15 દિવસ પહેલાં અલગથી સ્ટોર્મ વોટર લાઇન નાખી હતી. નગરપાલિકાનો દાવો હતો કે, નવી લાઇનથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવશે. પરંતુ પ્રથમ જ વરસાદમાં આ દાવો ખોટો સાબિત થયો છે. અહીં જે પાઇપલાઇન નાખવામાં આવી હતી તે પાઇપલાઇન પણ નબળી કક્ષાની હોવાના મેરા ગુજરાતે અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા જોકે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને તે જ ભૂંગળા નગરપાલિકા દ્વારા નાખી દેવાયા હતા. હવે સ્થિતિ એવી બની કે, પ્રથમ વરસાદમાં જ ચાર રસ્તા ખાતે પાણી ભરાઈ ગયા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ નવી નાખવામાં આવેલી પાઇપલાઇન નબળી ગુણવત્તાની હોવાથી કેટલાક સ્થળે તૂટી ગઈ હતી. પરિણામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો નથી અને મહાલક્ષ્મી ટાઉનહોલ તેમજ મુખ્ય ચાર રસ્તા પર ફરી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા મોડાસા નગરપાલિકાના ઉચ્ચ ડિગ્રી ધરાવતા અને પોતાની કોઠાસુઝથી કામ કરતા ઇજનેરોની કામગીરી અને કામ કરનાર કોન્ટ્રાક્ટરની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હવે આગામી વરસાદમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વચ્ચે નગરજનો અસરકારક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.







