27.3 C
Gujarat
Friday, July 31, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા રાજેન્દ્રનગર અધૂરા રોડે વધુ એક જીવ લીધો,લોકોનો ચક્કાજામ

અરવલ્લી : મોડાસા રાજેન્દ્રનગર અધૂરા રોડે વધુ એક જીવ લીધો,લોકોનો ચક્કાજામ

0
20

મોડાસા – 4 વર્ષથી અધૂરા રાજેન્દ્રનગર – મોડાસા રોડે લીધો વધુ એક જીવ : અકસ્માતના વિરોધમાં ચક્કાજામ, તંત્રને આવેદનપત્ર, રસ્તાનું કેવું કામ જે વર્ષો પછી પણ પૂરું થતું નથી..!!!

રાજેન્દ્રનગર–મોડાસા રોડ છેલ્લા ચાર વર્ષથી અધૂરો રહેતા વધુ એક નિર્દોષ વ્યક્તિએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. ઈકો કાર ચાલકના કરૂણ મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિકોનો આરોપ છે કે માર્ગ અને મકાન વિભાગની બેદરકારી તેમજ વર્ષોથી લટકેલા રોડના કામના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
ઘટનાના વિરોધમાં આજે અકસ્માત સ્થળે યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડના નેતૃત્વમાં સ્થાનિક ગ્રામજનો, પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. લોકોએ રોડ પર ચક્કાજામ કરી માર્ગ-મકાન વિભાગ અને સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. ચક્કાજામને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી લગભગ 20 કિલોમીટરનો માર્ગ અધૂરો હોવાથી વાહનચાલકોને એક જ લેનમાં બંને તરફથી વાહનો પસાર કરવા પડે છે. યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, ચેતવણીના બોર્ડ અને ટ્રાફિક નિયંત્રણના અભાવે રોજ અકસ્માતનો ભય રહે છે. અનેક વખત રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી

ચક્કાજામ બાદ પ્રતિનિધિમંડળે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) તેમજ જિલ્લા જી બી વાઘેલા DySP ને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પ્રતિનિધિમંડળમાં યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડ, ઋષભ ઉપાધ્યાય, મોટી ચીચણોના સરપંચ અમૃતસિંહ, તાલુકા પંચાયત સદસ્ય નવનીતસિંહ મકવાણા, પ્રવિણસિંહ વાઘેલા, જવાનસિંહ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.આવેદનપત્રમાં રાજેન્દ્રનગર–મોડાસા રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની, અકસ્માતો અટકાવવા પૂરતી ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની તેમજ વર્ષોથી કામ લટકાવનાર જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં રોડનું કામ ઝડપથી પૂર્ણ નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર જનઆંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી માર્ગ અને મકાન વિભાગ તથા સ્થાનિક પ્રશાસનની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!